Arjun Modhwadia resigned from the post of MLA
- આજના દિવસમાં કોંગ્રેસને બે મોટા ફટકા પડ્યાં
- આજે સવારે રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપી દીધું
- અર્જુન મોઢવાડિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ખળભળાટ
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ લગભગ સાફ થઈ ગઈ છે. આજના દિવસમાં કોંગ્રેસને બે મોટા ફટકા પડ્યાં છે. આજે સવારે રાજૂલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે રાજીનામું આપી દીધું છે અને હવે કોંગ્રેસના સૌથી સિનિયર અને દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતાં રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
કોંગ્રેસમાંથી ધડાધડ રાજીનામા પડ્યા
ગુજરાતમાં તાજેતરમાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પક્ષનો સાથ છોડી દીધો છે. સી.જે. ચાવડા, ધાનેરાના જોઈતાભાઈ પટેલ, ચિરાગ કાલરિયા, પૂર્વ સાંસદ નારણ રાઠવા સહિતના નેતાઓએ પક્ષને રામ રામ કહી દીધા છે. બીજી તરફ ઉત્તર ગુજરાતમાં પણ એક સમયે મજબૂત ગણાતી કોંગ્રેસ સાવ ખાલી થઈ ગઈ છે. હાલમાં ગેનીબેન ઠાકોર, જિજ્ઞેશ મેવાણી અને જગદીશ ઠાકોર સિવાય ત્યાં કોઈ મજબૂત નેતા રહ્યો નથી. 80 બેઠકો પર પહોંચેલી કોંગ્રેસ આ વખતે 17 બેઠકો પર આવીને અટકી ગઈ છે એમાં પણ ધારાસભ્યોના ધડાધડ રાજીનામા બાદ પેટા ચૂંટણીમાં શું થશે એ કહેવું પણ હાલ મુશ્કેલ છે.
કોણ છે કોંગ્રેસના દિગ્ગજ અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયા વર્ષ 1997માં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે જોડાયા હતાં. તેઓ પ્રથમ વખત વર્ષ 2002માં પોરબંદર વિધાનસભા બેઠક પરથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતાં. અર્જુન મોઢવાડિયાને વર્ષ 2004થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ફરજ નિભાવવાની તક મળી હતી.તેઓ ફરી વર્ષ 2007માં પોરબંદર વિધાનસભા બેઠક ઉપરથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા. આ દરમિયાન તેમની માર્ચ 2011 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ થઈ હતી.અર્જુનભાઈ મોઢવાડિયાની ગણના માત્ર પોરબંદર જ નહીં સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના ટોચના નેતાઓમાં થાય છે. તેઓ મહેર સમાજના ટોચના આગેવાનોની હરોળમાં સ્થાન ધરાવે છે.