નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી
એક વર્ષ પહેલાં જ ગુજરાત કોંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકે 25, મહામંત્રી તરીકે 75, પ્રોટોકોલમાં 5 અને 19 શહેર-જિલ્લા પ્રમુખો મળીને કુલ 124 નવી નિમણૂક જાહેર કરવામાં આવી હતી. જેમાં એક સમયે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર હંગામો કરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તે કોર્પોરેટર નીરવ બક્ષીને અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા હતા. પરંતુ હવે નીરવ બક્ષીએ પ્રમુખ પદેથી રાજીનામું આપી દેતા રાજકારણમાં હડકંપ મચી ગયો છે.
કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી
નિરવ બક્ષીએ શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. નિરવ બક્ષીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને પ્રભારીને જવાબદારીમાંથી મુક્ત કરવા માટે રજૂઆત કરી છે. તેમના રાજીનામા બાદ કોંગ્રેસે નવા શહેર પ્રમુખને લઈને તજવીજ હાથ ધરી છે. નિરવ બક્ષી વિધાનસભાની ચૂંટણી પછી નિષ્ક્રિય હતા. જોકે, તેઓ કોંગ્રેસના કોર્પોરેટર તરીકે યથાવત રહેશે. હવે તેમના સ્થાને કોને અમદાવાદના શહેર પ્રમુખ બનાવાય છે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
એક વર્ષ પહેલાં જ નિરવ બક્ષી પ્રમુખ બન્યાં હતાં
એક વર્ષ પહેલાં કોંગ્રેસે જે નેતાઓને પદ આપ્યું હતું તેમાં પણ સમતોલન રાખવાનો પ્રયાસ કર્યો હતો. જે નેતાઓને જિલ્લા કે શહેર પ્રમુખ તરીકે હટાવ્યા છે તેમને પ્રદેશના માળખામાં સ્થાન આપ્યું છે. જે દાવેદારો હતા તેમને સંગઠનમાં લીધા નથી. જે નેતાઓ ચૂંટણી લડવા માગતા નથી તેમને સંગઠનમાં જવાબદારી આપી છે. જે શહેર-જિલ્લાના નવા પ્રમુખ નિમાયા છે તેમાં અમદાવાદ જિલ્લા, અમદાવાદ શહેર સહિતનાનો સમાવેશ થયો હતો.