ગુજરાત સરકારે હવે બિનઅનામત વર્ગની માફક અનામત વર્ગને પણ પ્રમાણપત્ર આપશે. સરકાર દ્વારા સવર્ણો માટે જાહેર કરાયેલી શૈક્ષણિક તેમજ આર્થિક યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણપત્ર કામમાં લાગશે. બિન અનામત આયોગ દ્વારા તાજેતરમાં જ સરકારને ભલામણ કરાઈ હતી કે, જીપીએસસીની પરીક્ષામાં બેસવા માટે સવર્ણો માટે પણ વયમર્યાદા વધારવામાં આવે, તેમજ એસસીએસટી સ્ટૂટન્ડ્સ માટે બનાવાયેલી સમરસ હોસ્ટેલમાં જો જગ્યા ખાલી પડે તો સવર્ણોને પણ પ્રવેશ અપાય. આ સિવાય પણ આયોગ દ્વારા ઘણી ભલામણ કરવામાં આવી છે. ગુજરાત સરકારે રાજ્યના બિનઅનામત વર્ગો જેવા કે, પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વણિક, લોહાણા, સોની, ખમાર, મહેશ્વરી વગેરે અંદાજે 58 જેટલી જ્ઞાતિઓના શૈક્ષણિક તથા આર્થિક રીતે નબળા કુટુંબોના સર્વાગી ઉતકર્ષ માટે પ્રયાસ શરુ કર્યા છે, જેના માટે રૂ.506 કરોડની વિશેષ જોગવાઇ કરવામાં આવી છે. બિન અનામત સવર્ણ આયોગ દ્વારા અનામત વર્ગના લોકોને જ નોકરી તેમજ અભ્યાસમાં મળતા લાભ બિન અનામત વર્ગને પણ મળે તે માટે હવે આયોગ દ્વારા સક્રિય પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં સસ્તા દરે શિક્ષણ લોન ઉપરાંત, ૩૫ જેટલી સરકારી યોજનાનો લાભ આપવા વિચારણા ચાલી રહી છે. સમગ્ર ગુજરાત રાજયમાં બિન અનામત વર્ગોની જરૂરિયાતને જાણવા માટે રાજય સરકાર તરફથી દરેક જિલ્લામાં સર્વે કરાવવામાં આવશે. જેના માટે દરેક જિલ્લામાંથી વિવિધ પ્રકારના ૫૦૦-૬૦૦ જેટલા સેમ્પલ લેવામાં આવશે.