ભાજપે 2014માં લોકસભાની ચૂંટણી જીતવા અન્ના હજારે, બાબા રામદેવ સહિતના અનેક બાબાઓને છૂટા મૂકી દીધા હતાઃ ડો. મનિષ દોશી
સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે? તે દિવ્ય દરબારમાં જણાવી કૃપા કરોઃ ડો. મનિષ દોશી
બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ગુજરાતમાં શરૂ થાય તે પહેલાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. આયોજકો દ્વારા દરબારની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ત્યારે કોંગ્રેસે બાબાના દરબારને લઈને ભાજપ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યાં છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ભાજપે 2014માં લોકસભાની ચૂંટણી જીતવા અન્ના હજારે, બાબા રામદેવ સહિતના અનેક બાબાઓને છૂટા મૂકી દીધા હતા. હવે 2024ની લોકસભાની ચૂંટણી જીતવા માટે બાગેશ્વર બાબાને છુટા મુક્યાં છે. કોંગ્રેસના આક્ષેપના જવાબમાં સુરતના લિંબાયતના ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું હતુંકે, સારા કામમાં કોંગ્રેસ વિધ્નો લાવે છે.
બાબાની સભાના આયોજક ભાજપના ધારાસભ્ય
કોંગ્રેસના પ્રવક્તા ડો. મનિષ દોશીએ કહ્યું હતું કે, 2014ની લોકસભા બાદ સતત 9 વર્ષ સત્તામાં રહેનારા ભાજપે જનતાને આપેલા વચનો પુરા કર્યાનો જવાબ નથી આપ્યો. લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપે ફરી એકવાર એ જ રણનિતીના ભાગરૂપે બાબાઓના દિવ્ય દરબારના આયોજન કર્યાં છે. બાબાની સભાના આયોજકમાં સુરત ખાતે ભાજપના ધારાસભ્ય છે. સમગ્ર દેશમાં જ્યાં જ્યાં બાબાના દરબારો યોજાઈ રહ્યા છે તે માટે કોણ કોણ સંત્રીઓ અને મંત્રીઓ મદદ કરી રહ્યા છે તે તપાસનો વિષય છે. ગુજરાતના બાળકોને પરવડે તેવી ફીમાં ગુણવત્તા સાથે શિક્ષણ ક્યારે મળશે? સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં 32 હજાર શિક્ષકોની જગ્યા ક્યારે ભરાશે? ગુજરાતમાં સરકારી ભરતીમાં વારંવાર પેપર ફોડવાની ગેરરીતિ કરનાર, ચમરબંધી કૌભાંડીઓ, મોટા માથાઓ કોણ છે? તે આપ દિવ્ય દરબારમાં જણાવી ગુજરાતના લાખો યુવાનો પર કૃપા કરશો.
આ બાબતો દરબારમાં જણાવી ગુજરાતના લોકો પર કૃપા કરો
મનિષ દોશીએ કહ્યું કે, ગુજરાતમાં ફિક્સ પગારના નામે લાખો યુવાનો ક્યારે આર્થિક શોષણ પ્રથામાંથી મુક્ત થશે? સુપ્રિમ કોર્ટમાં ક્યારે કેસ ગુજરાત સરકાર પરત ખેંચશે? ગુજરાતમાં આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટના નામે 10 લાખ કરતા વધુ યુવાનોને અડધો પગાર ચૂકવી એજન્સીઓ કરોડો રૂપિયા બારોબાર લઈ જાય છે તે માટે ગુજરાતના યુવાનોને પૂરો પગાર મળે, ભ્રષ્ટાચાર અટકે,ગુજરાતની મા સમાન નદીઓ ક્યારે શુદ્ધ થશે? વારંવાર તૂટતા બ્રિજોના ભ્રષ્ટાચાર માટે કોણ કોણ સંડોવાયેલા છે? ક્યાં માથાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે? ગુજરાતના લાખો ખેડૂતોના કરોડો રૂપિયા, વિમાના પ્રિમીયમ ગાયબ થઈ ગયા અને ખેડૂતોનો પાક વિમો કોણ કોણ ચાઉં કરી ગયું? તે આપ દિવ્ય દરબારમાં જણાવીને ગુજરાતના ખેડૂતો ઉપર કૃપા કરશો.
વિઘ્નને પાર કરીને અહીંયા દિવ્ય દરબાર યોજીશું
ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલે કહ્યું હતું કે, હિન્દુ સનાતન ધર્મ અને રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપવા માટે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારનું આયોજન કરી રહ્યા છે. સારું કામ કરવા જઈએ છીએ ત્યારે કોંગ્રેસ વિઘ્ન નાખે જ છે. પરંતુ એ વિઘ્નને પાર કરીને અહીંયા દિવ્ય દરબાર યોજવા જઈ રહ્યા છીએ. ખરેખર આવો રાષ્ટ્રપ્રેમનો દિવ્ય દરબાર યોજાતો હોય તો સર્વ ધર્મને આવકરવા જોઈએ. મને એવું લાગતું નથી કે, આમાં અંધશ્રદ્ધા છે. સુરતના લોકો માટે સૌભાગ્ય છે.