કેન્દ્ર સરકારે રાજકોટમાં એઈમ્સની મંજુરી આપી, જાણો કોને મળશે લાભ
, મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (13:51 IST)
ગુજરાતમાં ઘણા સમયથી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ની માંગણી હતી, જે હવે પૂર્ણ થવા જઇ રહી છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશીના સમાચાર છે કે કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેરાત ગણતરીના દિવસોમાં થશે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. સૌરાષ્ટ્ર-કચ્છના દર્દીઓને અદ્યતન સારવાર હવે ઘર આંગણે મળી રહેશે. તેના માટે તેમને અમદાવાદ-મુંબઇ સુધી લાંબા થવું પડશે નહીં.
રાજકોટને AIIMS મળવાથી સૌરાષ્ટ્રને મોટ ફાયદો થશે. રાજકોટમાં જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે રૂ.1250 કરોડના ખર્ચે 750 બેડની હોસ્પિટલ બનશે. AIIMSનું કામ 4 વર્ષમાં પૂર્ણ થશે. કેન્દ્રીય મંત્રાલયે આ પ્રોજેક્ટ પર મંજૂરીની મ્હોર મારી દીધી છે તેમ સૂત્રોએ જણાવ્યું છે. એઇમ્સ માટેનું કામકાજ આગામી ઓક્ટોબર મહિનાથી શરૂ થઇ જશે. ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનમાં એઇમ્સ તૈયાર થશે. જેનો લાભ 12 જિલ્લાના દર્દીઓને મળશે.
એઈમ્સ રાજકોટમાં આવતા શહેર અને જિલ્લાઓના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે જેની અછત વર્ષોથી ભોગવાઈ રહ્યાં છે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે આ સિવાય અનેક લાભો મળશે.
જેમકે, 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી.(નર્સિંગ)ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે. આ હોસ્પિટલની સુવિધાઓ અંગે જોઈએ તો ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, ની રિપ્લેસમેન્ટ, પેડિયાટ્રિક સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી થશે તો ગુજરાતના રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, કચ્છ જેવા આ શહેરોને પણ એઈમ્સનો લાભ મળશે.
આગળનો લેખ