કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન મશીન, વેન્ટિલેટર અને બાયોપેપની જરૂરિયાત વધી છે ત્યારે અમદાવાદના યુવકે પોતાની એન્જીન્યરીંગ કંપનીમાં વેન્ટિલેટર બનાવવાનું શરૂ કર્યું છે. યુવકને NASA તરફથી ડિઝાઇન આપવામાં આવી હતી અને યુવકે NASAની ડીઝાઈન કરતા પણ સારું વેન્ટિલેટર બનાવ્યું છે. સિદ્ધાર્થ ભંડારી નામના અમદાવાદના યુવક ઇલેક્ટ્રોથર્મ સોલાર લિમિટેડ નામની કંપની ચલાવે છે. ગત વર્ષે કોરોના શરૂ થતા કંપનીએ વેન્ટિલેટર બનાવવાની તૈયારી કરી હતી, ત્યારે NASA દ્વારા કેટલીક કંપનીઓને વેન્ટિલેટરની ડીઝાઈન માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
દુનિયાભરની 5000 કરતા વધુ કંપનીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 300 કંપની પસંદ થઈ હતી અને તેમના ઇન્ટરવ્યૂ થયા હતા બાદમાં કુલ 27 કંપનીની પસંદગી કરવામાં આવી હતી. 27 કંપનીમાં ભારતની 4 કંપની છે જેમાંથી ગુજરાતની એક માત્ર સિદ્ધાર્થ ભંડારીની ઇલેક્ટ્રોથર્મ નામની કંપની પસંદ થઈ હતી. સિદ્ધાર્થ ભંડારી કંપનીની પસંદગી થતાં તેમને NASA તરફથી વેન્ટિલેટર બનાવવા માટેની ડિઝાઇન આપવામાં આવી હતી. ડિઝાઇનના આધારે કંપનીએ વેન્ટિલેટર બનાવવાનું શરૂ કર્યું હતું. NASAએ આપેલ ડિઝાઈનમાં સુધારો કરીને તેનાથી પણ સારી ગુણવત્તા અને ફેસિલિટી ધરાવતું વેન્ટિલેટર તૈયાર કર્યું હતું. જેમાં બાયો પેપ અને હાઈ ફ્લોની પણ સુવિધા રાખવામાં આવી હતી. વેન્ટિલેટરનો ઉપયોગ 18 વર્ષથી ઉપરની વયના તમામ લોકો કરી શકે છે. વેન્ટિલેટર સાથે ટેબ્લેટ પણ આપવામાં આવ્યું હતું જેની વિશેષતા છેકે, વેન્ટિલેટરની એપ્લિકેશન દ્વારા સમગ્ર વેન્ટિલેટરની સ્થિતિ અને દર્દીની સ્થિતિ જાણી શકાય છે. સમગ્ર સ્થિતિની PDF પણ ટેબ્લેટ આવશે, જે અન્યને મોકલી શકાય છે. સામાન્ય વેન્ટિલેટરમાં બાયો પેપ અને હાઈ ફલો હોતું નથી જ્યારે આ વેન્ટિલેટર બંને સુવિધા પણ રાખવામાં આવી છે.