અમદાવાદ હવે મેટ્રોસીટી તરીકે ઓળખાવા લાગ્યું છે. ટુંક સમયમાં એવું કહેવાય છે કે શહેરમાં મેટ્રો અને બુલેટ ટ્રેન પણ શરૂ થઈ જશે. વિકાસ અમદાવાદનો થશે કે નહીં એ વાત બાજુ પર મુકીએ પણ અમદાવાદની શાન કહેવાતી સાબરમતી નદીના કપાળ પર એક કાળું ટીલું ચોક્કસ લાગી ગયું છે. આ ટીલું લગાડવા વાળું બીજું કોઈ નહીં પણ શહેરની જનતા છે.
અમદાવાદમાં રિવરફ્રન્ટ પ્રેમીઓ માટે તથા લોકો માટે હરવાફરવા માટેનું સ્થળ બની રહ્યું છે. તે જ સાબરમતી નદી આજે જાણે સુસાઇડ રિવર બની છે કેમ કે, છેલ્લા ત્રણ વર્ષમાં આ જ નદીમાં કૂદીને ૮00થી વધુ લોકોએ આપઘાત કર્યો છે. એક સમયે કાંકરિયા તળાવ જીવનથી કંટાળેવા માટે પ્રખ્યાત હતું. આ તળાવ જાણે આત્મહત્યા માટેનુ કેન્દ્ર હતું પણ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની દેખરેખ હેઠળ મનોરંજન માટે ડેવલમેન્ટ કરાતાં આત્મહત્યાની ઘટનાઓ ઘટી છે.
કાંકરિયા તળાવમાં વર્ષ ૨૦૧૦થી માંડીને વર્ષ ૨૦૧૭ સુધીમાં આપઘાતની કોશિશ કરનારાં ૩૭ જણાંને બચાવાયા છે જયારે સાત વર્ષમાં કાંકરિયામાં માત્ર ૭ જણાંએ જ આત્મહત્યા કરી છે. છેલ્લા ત્રણેક વર્ષમાં તો કાંકરિયામાં એકેય આત્મહત્યા થઇ હોઇ તેવી ઘટના બની નથી. સાબરમતી નદીમાં દર વર્ષે ૨૫૦થી વધુ લોકો આત્મહત્યા કરે છે. મ્યુનિ.કોર્પોરેશનના આંકડા કહે છેકે, વર્ષ ૨૦૧૪ , ૨૦૧૫ અને ૨૦૧૬માં કુલ મળીને ૮૭૨ જણાંએ સાબરમતી નદીમાં આપઘાત કર્યાં છે. ખાસ કરીને સુભાષબ્રિજ , જમાલપુર બ્રિજ અને દૂધેશ્વર બ્રિજ પર આત્મહત્યાની ઘટનાઓ સૌથી વધુ બને છે. ફાયરબ્રિગેડના અધિકારીઓ કહે છે કે, મહિનામાં ૨૦ દિવસ બ્રિજ પર કૂદકો મારીને આત્મહત્યાના કોલ આવે છે. આપઘાત કરવાની કોશિશ કરનારાંને બચાવવા બચાવ કામગીરી કરવી પડે છે. સૂત્રોનું કહેવું છેકે, દેવું , જીવલેણ બિમારી ,ઘરકંકાશ અને પ્રેમપ્રકરણ જવા કારણોને લઇને લોકો આત્મહત્યા કરે છે. માનસિક રોગના તબીબોનો મત છેકે, આજની ફાસ્ટ લાઇફમાં લોકોની અપેક્ષા-આકાંક્ષા વધી છે સાથે સાથે સહનશક્તિ ઘટી છે. જેના લીધે આત્મહત્યાના કેસો વધ્યાં છે સાબરમતી નદીમાં વધતા જતાં આત્મહત્યાના કેસોને ધ્યાનમાં રાખીને બ્રિજ પર હવે લોખંડની જાળીઓ પણ નાંખવામાં આવી છે. ટૂંકમાં, સાબરમતી નદી સુસાઇડ રિવર બની રહી છે.