અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર નવો બની રહેલો બ્રિજ ધરાશાયી થઇ ગયો છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના રિંગ રોડ પર મહમદપુરા ચાર રસ્તા પાસે એક નવો બ્રિજ રહ્યો હોવાથી તેનું કામકાજ ચાલી રહ્યું છે. આ બ્રીજ YMCA ક્લબ તરફથી એસપી રિંગરોડ તરફ જતા માર્ગ પર કાકાના ધાબા પાસે બની રહેલા બ્રિજનો એક ભાગ રાત્રે લગભગ 10:45 વાગે ધડામ દઇને તૂટી પડ્યો હતો. બનાવની જાણ થતાં ઔડા કર્મચારીઓનો કાફલો તથા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.
ઔડા અધિકારીએ જણાવ્યું હતું કે બોપલથી શાંતિપુરા જતા રિંગ રોડ પર વાયએમસી ક્લબ રોડના ટર્નિંગ પાસે છેલ્લા છ મહિનાથી ઔડા દ્વારા બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે. પરંતુ મોડી સાંજે સનાથલ સર્કલ પાસે બોપલથી શાંતિપુરા તરફ જવા બની રહેલા નવા બ્રિજનો વચ્ચેનો એક ભાગ એકાએક ધડાકાભેર તૂટી પડ્યો છે. બ્રિજનું કામ ચાલતું હોવાથી બેરીકેટિંગ કરાયું હતું. જેથી સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. ક્યાં કારણોસર ઘટના સર્જાઇ છે તે અંગે તપાસ કરીશું.