દેશ વિદેશથી અમદાવાદ આવતા લોકો અને અમદાવાદીઓ માટે વધુ એક આકર્ષણ એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે રૂ 75 કરોડના ખર્ચે બાંધવામાં આવેલો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના પદાધિકારીઓએ આજે ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આગામી મહિને વડાપ્રધાન મોદીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી પુરી શકયતા છે.
આ બ્રિજના ઉદઘાટન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વડાપ્રધાન ઓફિસમાં જાણ કરીને સમય માંગવામાં આવ્યો છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે સાબરમતી નદી પર બાંધવામાં આવેલો ફૂટ ઓવર બ્રિજનું નામ અટલ બ્રિજ આપવામાં આવ્યું છે. તેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સપનું હતું. 95 ટકા કામગીરી બ્રિજની પૂર્ણ થઈ ગઈ છે માત્ર ફિનિશિગ અને ઓવરબ્રિજ પર થોડું કામ બાકી છે. ઝડપથી આ કામગીરી પૂર્ણ થઇ જતાં બ્રિજ અને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ ફૂટ ઓવરબ્રિજમાં પ્રવેશ માટેની ફી અને સમય આગામી દિવસોમાં નક્કી કરાશે.સાબરમતી રિવરફ્રન્ટ પર પદયાત્રીઓ અને સાઇક્લિસ્ટો માટે આ ફૂટ ઓવરબ્રિજ આકર્ષણરૂપ બની રહે તે માટે કેટલીક વિશિષ્ટ સુવિધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂટ ઓવરબ્રિજ પર આર્ટકલ્ચર ગેલેરી ઊભી કરાશે. ફૂડ સેન્ટર એટલે કે ખાણી-પીણીનો સ્ટોલ ઊભો કરાશે અને ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વ છેડા પર મલ્ટિલેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ ઊભી કરાશે. આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ 300 મીટર લાંબો અને પશ્ચિમ તથા પૂર્વના બંને છેડેથી તેમાં પદયાત્રીઓ સાઇક્લિસ્ટો આવન-જાવન કરી શકશે. આ ફૂટ ઓવરબ્રિજનું બાંધકામ 2019ના અંતમાં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાકાળને કારણે ખાસ્સો લાંબો સમય કામ બંધ રહેતા વિલંબ થતાં મે મહિનાના અંતમાં બાંધકામ પૂરું કરીને તેનું લોકાર્પણ કરાશે.