ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે હવામાન વિભાગે આવતીકાલે મંગળવારે આઠ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તેમજ 17મીને બુધવારે સાત જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 16મીના રોજ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે પણ અનરાધાર વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે.હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આજે 16 ઓગસ્ટે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. 17 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સોમવારે વરસાદ શરૂ થયો હતો જે આજે મંગળવારે પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.છેલ્લા 18 કલાકમાં 209 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારા અને ડોલવણમાં 5.76 ઇંચ વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં ગઈ કાલે બપોરે બે વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. સાંજે 5 વાગ્યા સુધીમાં સરખેજ, મકરબા, મકતમપુરા, એસજી હાઇવે વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. બે ઇંચ જેટલો વરસાદ પડતાં વેજલપુર શ્રીનંદનગરમાં પાણી ભરાઇ ગયા હતા. તો શહેરમાં કાળા ડિબાંગ વાદળો છવાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. વાહનચાલકોએ લાઈટ ચાલુ કરીને ફરજિયાત વાહન ચલાવવાની ફરજ પડી હતી.જોધપુર, મકતમપુરા, સેટેલાઇટ, વસ્ત્રાપુર, બોડકદેવ, પાલડી, વાસણા, વેજલપુર, ટાગોરહોલ વિસ્તારમાં દોઢ ઇંચ, જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રામોલ, દૂધેશ્રર, વટવા, જમાલપુર, લાલદરવાજા, દરિયાપુર, શાહપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો છે.