અમદાવાદમાં ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં કાર્યરત 200થી વધુ હેલ્થ વર્કર્સને 7 દિવસની એડવાન્સ તાલીમ અપાશે યોજાનારી આ તાલીમમાં 200 થી વધુ હેલ્થકેર વર્કર્સને કોરોના ઇમરજન્સી સારવાર માટે સજ્જ કરવામાં આવશે. ગુજરાત સરકાર અને DRDOના નિષ્ણાંત 30 તબીબો અને કન્સલટન્ટ દ્વારા તમામ હેલ્થકેર વર્કસને સાત દિવસીય તાલીમ આપવામાં આવનાર છે. સાત દિવસીય તાલીમમાં દરોરજ 2 કલાક થીયરીની તાલીમ આપ્યા બાદ બાકીના કલાકોમાં ICU વોર્ડમાં તમામ હેલ્થકેર વર્કર્સને ICU મેનેજમેન્ટની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવશે. આ તાલીમ વિશે વિશેષમાં બી.જે.મેડિકલ કોલેજના પ્રોફેસર અને મેડિસીન વિભાગના વડા ડૉ. કમલેશ ઉપાધ્યાયે જણાવ્યું હતુ કે, કોરોનાની બીજી લહેરમાં સામનો કરેલા તમામ પડકારોને ધ્યાનમાં રાખીને આગોતરા આયોજનના ભાગરૂપે હેલ્થકેર વકર્સની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલ ધન્વતરી કોવિડ હોસ્પિટલમાં ફરજરત હેલ્થકેર વર્કર્સને આગોતરા આયોજનના ભાગરૂપે એડવાન્સ તાલીમ આપીને ICU મેનેજમેન્ટ થી લઇ ઇન્ટેસીવ કેરની તાલીમ આપી સજ્જ કરવામાં આવશે. તાલીમ મેળવેલ એક તબીબ સમગ્ર કોવિડ હોસ્પિટલનું સંચાલન કરી શકવા સક્ષમ બને તે હેતુસર આ સંપૂર્ણ તાલીમ હાથ ધરવામાં આવી છે. સાત દિવસીય તાલીમમાં ખાસ કરીને ICU વોર્ડ વ્યવસ્થાપન અને મેડિકલ ઇમરજન્સીમાં કઇ રીતે સારવાર કરવી તેના પર વધુ ધ્યાન આપવામાં આવશે. ICU વોર્ડના કોરોનાગ્રસ્ત દર્દીને કઇ રીતે સારવાર આપવી, કોરોનાની પરિસ્થિતિમાં સારવારની સાથે બીજા આયામો પર કંઇ રીતે કાર્ય કરવું તે તમામ બાબતોને સંલગ્ન વિષયોને આ તાલીમમાં આવરી લેવામાં આવ્યા છે.