Publish Date: Thu, 24 Sep 2026 (09:28 IST)
Updated Date: Thu, 24 Sep 2026 (09:32 IST)
અમદાવાદમાં બેવડી ઋતુ અને વરસાદ બાદ મચ્છરજન્ય રોગચાળામાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરના શરૂઆતના ૨૦ દિવસમાં જ ડેન્ગ્યુના ૪૯૬ અને મલેરિયાના ૯૨ કેસ નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)નું આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
રોગચાળા પર નિયંત્રણ મેળવવા AMC દ્વારા શહેરના વિવિધ ૧,૨૯૮ કોમર્શિયલ એકમો, કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને શૈક્ષણિક સંસ્થાઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૪૬ સ્થળો પરથી મચ્છરોના બ્રીડિંગ મળી આવતા ૨૨૨ એકમોને નોટિસ આપીને કુલ રૂ. ૬ લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જાણીતી સેપ્ટ (CEPT) યુનિવર્સિટીમાંથી પણ મચ્છરના બ્રીડિંગ મળી આવતા તેને રૂ. ૨૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. AMCએ લોકોને ઘરની છત, કુંડાં, જૂના ટાયર કે ખુલ્લા વાસણોમાં ભરાયેલા પાણીની નિયમિત સફાઈ કરવા અને અઠવાડિયામાં એકવાર પાત્રો સુકા રાખવા અપીલ કરી છે.
આરોગ્ય વિભાગના આંકડા અનુસાર ઓગસ્ટ મહિનામાં મલેરિયાના ૧૪૧ અને ઝેરી મલેરિયા (ફાલ્સીપેરમ)ના ૨૮ કેસ નોંધાયા હતા, જેની સામે સપ્ટેમ્બરના ૨૦ દિવસમાં મલેરિયાના ૭૦ અને ઝેરી મલેરિયાના ૨૨ કેસ સામે આવ્યા છે. ઉપરાંત, ચિકનગુનિયાના ઓગસ્ટમાં ૪ કેસ હતા, જ્યારે સપ્ટેમ્બરમાં વધારો થઈને ૭ કેસ નોંધાયા છે.