ગીરના જંગલમાં સિંહોનાં જીવ ઉપર કેટલી હદે જોખમ છે તેનો બિહામણો ચિતાર વધુ ભયાવહ રીતે પ્રકાશમાં આવી રહ્યો છે. સિંહોનાં મૃત્યુને ઈનફાઈટમાં ખપાવવા મથતા વન તંત્રે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે ગીરમાં 12મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધીમાં 21 સિંહોના મોત થયા છે. ધારીના દલખાણીયા રેન્જમાં આવેલા સરસિયા વિસ્તારમાં વધુ 7 સિંહોના મોત નીપજતા સિંહોનો કુલ મૃત્યુઆંક 21 થતાં સનસનાટી મચી ગઇ છે. પૂનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના રિપોર્ટ મુજબ મૃતક સિંહો પૈકી ચાર સિંહના શરીરમાં વાયરસ જોવા મળ્યા છે. પરંતુ કયો વાયરસ છે તે અંગે વનતંત્રએ કોઇ સ્પષ્ટતા કરી નથી.
છેલ્લાં 3 સપ્તાહથી માત્ર દેખાવ કરતા વનતંત્રે હવે ઊંઘમાંથી જાગી નિષ્ણાંતોની ટીમને બોલાવી છે, ઉપરાંત અમેરિકાથી પણ દવાને મંગાવી છે. મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢની સત્તાવાર વિગતો જ ચોંકાવનારા ઘટનાક્રમને બયાન કરી દે છે. ઈજા પામેલ, રેસ્કયૂ કરેલ તમામ સિંહોના લોહીના નમુના અને મૃત્યુ પામેલા સિંહોના ટિસ્યૂના નમૂના નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી પુના તરફથી મળેલા અહેવાલ મુજબ 4 સિંહોના શરીરમાં વાયરસનું પ્રમાણ જોવા મળેલ છે. જયારે 6 કેસોમાં વેટરનરી કોલેજ, જૂનાગઢથી તરફથી મળેલ અહેવાલ પ્રમાણે ટીકસથી ફેલાતા કેટલાક પ્રોટોઝોઆ ઈન્ફેકશન જોવા મળેલ છે.પ્રોટોઝોઆ લોહીના રક્તકણને તોડી નાંખે છે ગીરના સિંહોમાં અને ખાસ કરીને ગીર પૂર્વ વન વિસ્તારમાં સિંહોને પ્રોટોઝોઆ ઈન્ફેક્શન જોવા મળતા વન અધિકારીઓ ચોંકી ઉઠયા છે. જૂનાગઢની વેટરનરી કોલેજના આ રિપોર્ટ પ્રમાણે ટીક્સથી ફેલાતો પ્રોટોઝોઆ ઈન્ફેક્શન સિંહની ઈમ્યૂન સિસ્ટમ પર અસર કરે છે અને લોહીના રક્તકણોને તોડી નાખે છે. આ એકકોષીય સજીવ અમિબા છે. પ્રોટોઝોઆના રિપોર્ટ પછી કદાચ એ સિંહોની નબળી પડેલી ઈમ્યૂન સિસ્ટમને ફરીથી જનરેટ કરવા એ સિંહોને ઈટાવા અને દિલ્હી ઝૂથી આવેલા ડોક્ટરોની ટીમ દ્વારા વેક્સિનેશન કરવામાં આવે તેવી મજબૂત શક્યતા છે.