અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં પરપ્રાંતિયોની બહુમતી ધરાવતા એવા ઓઢવ, અમરાઇવાડી, જશોદાનગર, હાટકેશ્વર, રામોલ, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી પરપ્રાંતિયો સાથે સંકળાયેલા વિવિધ ધંધાઓ ઠપ પડયા છે. પરપ્રાંતિયો પાણીપુરી અને શાકભાજીની લારીઓ કાઢતા નથી. રાંધણ ગેસના સિલિન્ડરોની ડિલિવરી કરવા પણ જતા તેઓ ડરે છે. તેમજ નર્સરીઓ પણ બંધ રાખીને ઘરમાં રહેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. ઉપરોક્ત સ્થિતિને જોતા આજે પણ આ વિસ્તારોમાં શહેર પોલીસ દ્વારા સધન પેટ્રોલીંગ તેમજ ફ્લેગ માર્ચ કરીને લોકોને સલામતીનું આશ્વાસન આપાયું હતું. વટવા, નારોલ, કઠવાડા, નરોડા, વિંઝોલ સહિતની જીઆઇડીસીઓમાં પણ સધન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિવિધ જિલ્લાઓમાંથી ભાગીને આવેલા મોટાભાગના પરપ્રાંતિઓએ અમદાવાદમાં તેમના સગાવહાલાઓને ત્યાં આશરો લીધો છે. સ્થાનિક રહીશો દ્વારા તેમને રક્ષણ અપાઇ રહ્યું છે. મુખ્યત્વે પાણીપુરીની લારીઓ પર જીવન ગુજરાન ચલાવતા આ પરિવારો એટલા બધા ડરી ગયા છેકે તેઓએ છેલ્લા ત્રણેક દિવસથી લારીઓ ઘરની બહાર કાઢી નથી. રોજ કમાઇને રોજ ખાતા આ પરિવારો હાલમાં દયનીય સ્થિતિમાં મૂકાઇ ગયા છે. બીજી બાજુ રાંધણગેસની ડિલિવરી પણ ખોરવાઇ હોવાનું જાણવા મળે છે.