અમદાવાદનાં જીવરાજ પાર્ક વિસ્તારમાં એક કોમ્પલેક્સમાં ભીષણ આગ લાગી છે. આ આગ થર્મોકોલના ગોડાઉનમાં લાગી હતી. જેની પાસે ટ્યૂશન ક્લાસીસ પણ ચાલતા હતાં. જેમા 15થી વધુ વિદ્યાર્થી ટ્યૂશન માટે આવ્યા હતા. તમામને સ્થાનિકોની મદદ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, હજુ પણ કેટલાક લોકો આ આગમાં ફસાયા છે.ધર્માકોલ નામનાં ગોડાઉનમાં આગના બનાવની જાણ થતાં ફાયર ફાયટરની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પાણીનો મારો ચલાવીને આગને બુઝાવવાની કામગીરીમાં ફાયરમેન લાગી ગયા હતા તથા સ્થાનિકો પણ ફાયર ટીમને સહયોગ આપી રહ્યા છે. ઘટનાને પગલે 2 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
જે કોમ્પલેક્સમાં આગ લાગી છે તેમાં રહેણાંક વિસ્તાર પણ આવેલ છે અને કેટલાક લોકો તેમાં રહે છે. આગની ઘટનાને પગલે તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે.રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે આ ગોડાઉન ધમધમી રહ્યું હતું. આસપાસમાં રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ તરીકે આ જગ્યા ભાડે આપવામાં આવેલી હોવાની વાત સામે આવી છે. આ મામલે પહેલાથી જ સ્થાનિકોનો વિરોધ હતો. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તો બીજી તરફ, શોર્ટ સર્કિટને કારણે પણ આગ લાગી હોય તેવું કહેવાઈ રહ્યું છે. ફાયર ફાઈટરના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને આગને બૂઝવવાનો પ્રયાસ કર્યો હતો. જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી, તેમાં પરિવારો પણ રહેતા હતા. જેથી પહેલા તો પરિવારજનોમાં ભયનો માહોલ છવાયો હતો, અને તેઓ તાત્કાલિક અસરથી મકાનમાંથી બહાર નીકળી ગયા હતા.