જો કે કોરોનાના સંક્રમણથી બચવા માટે લોકોને માસ્ક પહેરવું અનિવાર્ય થઇ ગયું છે. માસ્ક હવે અભિન્ન અંગ બની ગયું છે. લોકો હવે પોતાના મનપસંદ માસ્ક પહેરી રહ્યા છે. અવનવી ડિઝાઈન, અવનવા કલર અને અવનવા મટિરિયલમાંથી બનતા માસ્ક બજારમાં ઉપલબ્ધ છે. થોડા દિવસો અગાઉ માર્કેટમાં ડાયમંડ માસ્ક ઉતારવામાં આવ્યા હતા. લગ્નની સિઝનમાં આ ડાયમંડ માસ્કની ડિમાંડ પણ ખૂબ જોવા મળી રહી છે ત્યારે હવે બ્લૂટૂથ માસ્ક પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.
આ બ્લૂટૂથ માસ્ક સુરતની પુજા જૈને બનાવ્યા છે. આ સાથે જ પુજાએ મહિલા શક્તિકરણનું પણ ઉદાહરણ આપ્યુ છે. મહિલાઓ પણ કોઈનાથી પાછળ નથી, પુજા જેવી અનેક સ્ત્રીઓ જો આગળ આવે તો ભારત ખરા અર્થમાં આત્મનિર્ભર બની શકે છે.
કોરોના સંક્રમણ વચ્ચે મોબાઇલ પર વારંવાર વાત કરવી ક્યારેક જોખમી સાબિત થતી હોય છે. તેથી જો બ્લૂટૂથ વાળું માસ્ક હોય તો મોબાઈલ વારે ઘડીએ પર્સમાંથી કે ખિસ્સામાંથી કાઢવો નહીં પડે. આ માસ્ક 400 થી લઈને 1500 સુધીના મળે છે. લોકો આ માસ્કના કારણે ડ્રાઈવિંગ કરતી વખતે પણ મોબાઈલને અડ્યા વિના વાત કરી શકે છે અને બજારમાં ખરીદી વખતે પણ આ માસ્ક લોકોને ઉપયોગી બની રહ્યું છે.