After 33 years, double decker bus will run in Ahmedabad city
- અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર બસ
- બસમા નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જરની બેસવાની ક્ષમતા
- ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે, તે મુજબનું જ રાખવામાં આવશે
અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર (બે માળની) બસ દોડશે. આજે 3 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે 11 વાગ્યે વાસણા-ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી AMTS બસને મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો અને કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મેયર, ડેપ્યુટી મેયર, AMTS ચેરમેન સહિતના હોદ્દેદારો- અધિકારીઓએ બસમાં બેસીને બસનો આનંદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 33 વર્ષ પહેલાં રોડ પર દોડતી બે માળની બસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હતી. ફરી ડબલ ડેકર બસ શરૂ થતાં લોકોની જૂની કેટલીક યાદો તાજી થશે. આ ડબલ ડેકર બસની સુવિધાની વાત કરવામાં આવે તે નીચે 29 અને ઉપર 36 એમ કુલ 60થી વધુ પેસેન્જરની બેસવાની ક્ષમતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 7 જેટલી બસો ખરીદી દોડાવવામાં આવશે. જોકે, હાલમાં માત્ર એક બસ આવી છે. જેને વાસણા- ચાંદખેડા વચ્ચે દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડબલ ડેકર એસી બસનું ભાડું હાલમાં જે પ્રવર્તમાન દર છે, તે મુજબનું જ રાખવામાં આવશે. AMTSમાં પહેલી એસી બસ દોડવાની છે. બાકીની 6 બસ ક્યાં રૂટ ઉપર દોડાવી તે અંગે આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે.