રાજ્યમાં આજથી શૈક્ષણિક વર્ષ 2023-24 માટે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વાલીઓ આજથી જ RTE હેઠળ rte.orpgujarat.com વેબસાઈટ પર જઈને ઓનલાઇન ફોર્મ ભરી શકશે. 24 એપ્રિલ સુધી એડમિશન માટે વાલીઓ ફોર્મ ભરી શકશે. આ વખતે ડોક્યુમેન્ટ્સ સાથે IT રિટર્નનાં ડોક્યુમેન્ટ્સ પણ રજૂ કરવાના રહેશે.દર વર્ષની સાપેક્ષે આ વર્ષે RTEની એડમિશન પ્રક્રિયા મોડેથી શરૂ થઈ છે. આજથી શરૂ થયેલ પ્રક્રિયામાં 24 એપ્રિલ સુધી વાલીઓ વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે. શહેરી વિસ્તારમાં આવક મર્યાદા 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. ઓરીજીનલ ડોક્યુમેન્ટ, કેટેગરી સર્ટિફિકેટ અને ઇન્કમટેક્ષ રિટર્નનાં દસ્તાવેજ રજૂ કરવાના રહેશે.
આ ઉપરાંત દસ્તાવેજની ચકાસણી માટે 90 વેરીફાયર નિયુક્ત કરવામાં આવ્યા છે. ઓનલાઇન ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદની 1350 સ્કૂલોમાં 11,500 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરનાર વાલીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ વાલીએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હશે તો ભવિષ્યમાં પણ તે વિદ્યાર્થીનું એડમિશન રદ્દ થઈ શકે છે. ગરીબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. પોતાના ઘરથી 6 કિમી સુધીની સ્કૂલો જ પસંદ કરવાની રહેશે.
પોતાના બાળકને આરટીઈ હેઠળ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા માટે ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓ દર વર્ષે આતુરતાથી રાહ જોતા હોય છે. વાલીઓની આ આતુરતા બસ હવે પૂર્ણ થવાની તૈયારીમાં જ છે. રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
બાળકો વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મેળવી શકે. જો કે કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેમના બાળકો સારી શાળામાં પ્રવેશ ન મળતા તેઓ મુંઝવણ અનુભવતા હોય છે. આ માટે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદા હેઠળ કોઈપણ બાળક ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકાઈ છે. આ માટે ઓનલાઈ ફોર્મ ભરવાનુ હોય છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો RTE હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.