રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટેની મોકડ્રીલનું આયોજન કર્યું
કેન્દ્ર પાસેથી ગુજરાતે 3 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. એપ્રિલ મહિનાના 10 દિવસમાં જ 6 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યાં છે. જ્યારે માર્ચ મહિનામાં કોરોનાથી 9 લોકોના મોત નિપજ્યા હતાં. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે.રાજ્ય સરકારે કોરોના સામે લડવા માટેની આજે મોકડ્રીલનું આયોજન કર્યું છે.
જે પણ ખામીઓ હશે તેને દૂર કરવામાં આવશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, કોરોનાથી સહેજ પણ ડરવાની જરૂર નથી લોકોએ જાતે જ સતર્ક રહેવાની જરૂર છે. કોરોના કેસ વધતાં રાજ્ય સરકારે ચિંતા વ્યક્ત કરી છે અને તેના માટે તાત્કાલિક મોકડ્રીલ યોજી છે. જેમાં જે પણ ખામીઓ હશે તેને દૂર કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ દેશભરમાં મોકડ્રિલના આદેશ આપ્યા બાદ જ રાજ્ય સરકારે તકેદારી વધારી છે. મોકડ્રીલમાં રાજ્યની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર, ઓક્સિજન સહિતની ચકાસણી કરવામાં આવી રહી છે.
કેન્દ્ર પાસે ગુજરાતે ત્રણ લાખ ડોઝ માંગ્યા
જ્યારે કોરોનામાં માસ્ક અંગે વાત કરતાં ઋષિકેશ પટેલે કહ્યું કે, હાલની એસઓપીમાં માસ્ક ફરજિયાત નથી પણ લોકોએ પોતાના બચાવ માટે માસ્ક પહેરવું જોઇએ બચાવ માટે માસ્ક જરૂરી છે.રાજ્યમાં વેક્સિનની અછત રાજ્યમાં હોવાની વાત આરોગ્ય મંત્રીએ સ્વીકારી છે. તેના માટે કેન્દ્ર પાસેથી ગુજરાતે 3 લાખ વેક્સિનના ડોઝની માંગણી કરી છે અને તે આગામી દિવસોમાં મળી જશે તેવી આશા પણ આરોગ્ય મંત્રીએ વ્યક્ત કરી છે.