અમદાવાદના 132 ફૂટ રિંગ રોડ પર આવેલા પલ્લવ ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે એકિટવા ચાલકનું રોગ સાઈડમાં આવેલી BRTS બસની ટક્કરે મોત નીપજ્યું છે. મૃતક છાપા વિતરણનું કામ કરતો હતો અને આજે સવારે ઘરે પરત ફરતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાના પગલે ટોળે ટોળા એકઠાં થયા હતા. જેથી બસ ડ્રાઇવર ગભરાઈને બસની ઉપર ચઢી ગયો હતો. બસ ડ્રાઈવર સામે કાર્યવાહી માટે હાય હાય BRTS વગેરે નારા લગાવ્યા હતા. B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લાશને પીએમ માટે મોકલી BRTS બસ ચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
શહેરના ચાણકયપુરી વિસ્તારમાં જલુભાઈ દેસાઈ તેમના પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. જલુભાઈ છાપા વિતરણનું કામ કરતા હતા. આજે વહેલી સવારે જલુભાઇ રાબેતા મુજબ છાપા નાખવા ગયા હતા. 6.30ની આસપાસ એક્ટિવા લઈને ઘરે પરત ફરતાં હતા ત્યારે પલ્લવ ચાર રસ્તા પાસે રોગ સાઈડમાં આવેલા BRTS ઇલેક્ટ્રિક બસ ચાલકે ટક્કર મારી હતી. જેથી જલુભાઈ નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ને એક નરસિંગ સ્ટાફ યુવકે ફોન કરી જાણ કરી હતી. જલુભાઈને યુવકે પંપિંગ કર્યું હતું પરંતુ ઓક્સિજનની વધુ જરૂર પડી હતી. જેથી જલુભાઈનું મોત નીપજ્યું હતું.
ઘટનાના પગલે મૃતકના પરિવારજનો અને સમાજના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. BRTS બસનો ડ્રાઇવર લોકોનો રોષ જોઈ અને બસની ઉપર ચડી ગયો હતો. ન્યાય માટે તેઓએ હાય હાય BRTSના નારા લગાવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને થતા B ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમજાવટ કરી મામલો થાળે પાળ્યો હતો. હાલ લાશને પીએમ માટે મોકલી પોલીસે BRTS બસ ડ્રાઇવરની અટકાયત કરી તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.