ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની આગામી ૨૬મી માર્ચે યોજાનારી ચૂંટણીના બે ઉમેદવારોની આજે ભાજપે જાહેરાત કરી છે. જેમાં સૌરાષ્ટ્રના જૂના જનસંઘી અને જાણીતા વકીલ અભય ભારદ્વાજ અને કૉંગ્રેસી કૂળના રમિલાબેન બારાની પસંદગી કરવામાં આવી છે. ભારદ્વાજ બ્રહ્મ સમાજના પણ અગ્રણી છે. જ્યારે રમીલાબેન આદિવાસી સમાજમાંથી પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. જોકે ભાજપે ત્રીજા ઉમેદવારનું સસ્પેન્સ યથાવત્ રાખ્યુ છે. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગુજરાતમાંથી બે નવાં ચહેરાની પસંદગી કરી છે. ગુજરાતની ત્રીજી બેઠક માટે રહસ્ય યથાવત રાખ્યું છે, કારણ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટતા તેની રાજયસભાની એક બેઠક ઘટી છે. પોતાની પસંદગી માટે અભય ભારદ્વાજે જણાવ્યું હતું કે, મને પસંદ કરવા માટે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માનુ છું. અભય ભારદ્વાજ રાજકોટનું જાણીતું નામ છે. પોતાનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતા અભય ભારદ્વાજે ભાજપનો આભાર માન્યો હતો. ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠક માટે ૨૬ માર્ચે યોજાનારી ચૂંટણીને લઈ ભાજપ અને કૉંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ ભાજપના ત્રણ સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા, લાલસિંહ વડોદિયા અને ચુનીભાઈ ગોહેલ અને કૉંગ્રેસના મધુ સુદન મિસ્ત્રી એમ કુલ ચાર સભ્ય નિવૃત્ત થઈ રહ્યા છે. આ ચારેય બેઠકોની ચૂંટણી એકસાથે થવાની છે, પરંતુ ધારાસભ્યોના સંખ્યા બળને ધ્યાનમાં રાખતા ભાજપ અને કૉંગ્રેસ એમ બંનેના બે -બે બેઠકો મળી શકે છે. જોકે કૉંગ્રેસમાં ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયાના નામ ચર્ચા રહ્યાં છે.