ભારતીય ટપાલ વિભાગનો ઉદેશ દેશમાં ઘર ઘર સુધી ટપાલ સેવા પહોંચાડવાનો છે પરંતુ દેશમાં હર્ષભર ઉજવાય રહેલ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ટપાલ વિભાગ દ્વારા ઘરે ઘરે તિરંગા પહોંચાડવાની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ હેઠળ ટપાલ વિભાગનાં દક્ષિણ ગુજરાત ક્ષેત્રના વડા, પોસ્ટમાસ્ટર જનરલ પ્રીતિ અગ્રવાલ, ડો. શિવરામ તેમજ ટીમ દ્વારા એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટીમ દ્વારા ટપાલ કર્મયોગીઓ ના સ્વ ફાળા થી એકત્રિત કરેલ ભંડોળમાંથી જે દિવ્યાંગજનો સ્વયં પોસ્ટ ઓફિસમાં આવીને રાષ્ટ્રધ્વજ લેવા માટે અસમર્થ છે તેમને રાષ્ટ્રધ્વજ પહોચાડવાની અનોખી પહેલ કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત ક્ષેત્ર, વડોદરાની ટીમ આ હેતુ સેવાતીર્થ સંસ્થાના માધ્યમથી ત્યાંના દિવ્યાંગો, દૃષ્ટિ અને શ્રવણ ક્ષતિગ્રસ્ત મહિલાઓ, પુરુષો તેમજ બાળકોને રાષ્ટ્રધ્વજ નું ઉત્સાહપૂર્ણ વિતરણ કર્યુ હતું.આ અનોખી પહેલ થકી દિવ્યાંગો, દૃષ્ટિ અને શ્રવણ ક્ષતિગ્રસ્ત મહિલા, પુરષો અને બાળકો તેમજ ટપાલ પરિવારમાં દેશભક્તિ ભાવનાનો અવિરત સંચાર કરવામાં આવ્યો હતો.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી રૂપે નાગરિકો નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી માત્ર રૂ. ૨૫ થી રાષ્ટ્રધ્વજ ખરીદી શકશે તેમજ ભારતીય પોસ્ટ વિભાગની વેબસાઇટ https://www.epostoffice.gov.in/Home/Login પરથી પણ ઓનલાઈન ઓર્ડર કરી શકે છે. સાથો સાથ આપ https://harghartiranga.com પર રાષ્ટ્રધ્વજ સાથે પોતાની સેલ્ફી પણ અપલોડ કરી શકાશે.