રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા-ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, ૨૦૨૩ તૈયાર કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ ૧ થી ૮ સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત આપવાની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવવાના રહેશે. આ કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને દંડ ફટકારવાની અને આવી પ્રવૃતિના ત્રણ ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્યની બિન-સહાયિત શાળાઓને અપાયેલી માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇઓ આ કાયદામાં કરવામાં આવી છે, તેમ શિક્ષણ મંત્રી શ્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરે જણાવ્યુ હતું.
શિક્ષણમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતી ભાષા ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવવામાં આવતી નથી, જેને કારણે રાજ્યના રહેવાસીઓ તેમની સત્તાવાર ભાષાથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તા.૧૩/૦૪/૨૦૧૮ ના રોજ ઠરાવ કરી રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ ૨૦૧૮માં ધોરણ-૧ અને ૨, વર્ષ ૨૦૧૯માં ધોરણ-૩, વર્ષ ૨૦૨૦માં ધોરણ-૪, તે રીતે ક્રમશઃ ધોરણ ૮ સુધી ગુજરાતી ભાષા શિક્ષણનો ફરજિયાત અમલ કરવા આદેશ કર્યો હતો. આ ઠરાવ મુજબ કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન ગુજરાતી માધ્યમની શાળાઓ સિવાયની તમામ શાળાઓને ફરજિયાત વિષય તરીકે ગુજરાતી ભાષા શીખવવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં એવું જોવા મળ્યું હતું કે કેટલીક શાળાઓ ઠરાવને અનુસરતી નથી. જેને પરિણામે કડક જોગવાઇઓ સાથેનો કાયદો લાવવો જરૂરી હતો.
મંત્રી શ્રી ડિંડોરે વિધેયક લાવવા પાછળની ભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યુ હતું કે, શાળાકીય શિક્ષણમાં પ્રથમ ભાષા માતૃભાષા જ હોવી જોઇએ તેવું શિક્ષણવિદો, કોઠારી કમિશન રિપોર્ટ-૧૯૬૪, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૧૯૬૮ તેમજ ૧૯૮૬ ઉપરાંત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦માં પણ ભલામણ કરવામાં આવી છે. તે મુજબ ગુજરાતના શાળાકીય શિક્ષણમાં પણ પ્રથમ ભાષા તરીકે માતૃભાષા ગુજરાતી જ હોવી જોઈએ. છેલ્લા કેટલાક દાયકાઓથી, સીબીએસઈ, આઈસીએસઈ, આઈબી, એસજીબીએસઇ, સીઆઈસી સાથે સંલગ્ન પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી છે અને ત્યા હિન્દી અને વિદેશી ભાષાઓને "અન્ય ભાષાઓ" તરીકે શીખવવામાં આવે છે પરંતુ ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી. જેને પરિણામે આ શાળાઓમાં ભણતા બાળકો પોતાની માતૃભાષા ગુજરાતીના અપેક્ષિત જ્ઞાનથી વંચિત રહી જાય છે.
તેમણે કહ્યુ કે, ભારતીય બંધારણની આઠમી અનુસૂચીમાં ૨૨ ભાષાઓને માન્યતા આપવામાં આવી છે, ગુજરાતી ભાષા તે પૈકીની એક છે. ગુજરાતી સમૃદ્ધ અને વધુ અભિવ્યક્તિ વૈભવ ધરાવનારી ભાષા છે, જેમાં પ્રાચીન તેમજ આધુનિક સાહિત્યનો વિશાળ ભંડાર છે. આ ભાષામાં ફિલ્મ, સંગીત અને લખાયેલ સાહિત્ય ભારતની રાષ્ટ્રીય ઓળખ અને ધરોહર છે.
શિક્ષણમંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, શિક્ષણક્ષેત્રે પ્રચલિત કોઠારી કમિશન-૧૯૬૪માં ત્રિભાષા સૂત્રના અમલીકરણની ભલામણ કરી છે. આ જ રીતે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦માં પણ એક કરતાં વધારે ભાષા શીખવવા માટે ભલામણ કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિના પ્રકરણ -૪ના મુદ્દા ૪.૧૧ અને ૪.૧૨ માં માતૃભાષા અને ભારતીય સંસ્કૃતિ એ બંનેને કેન્દ્રમાં રાખીને અન્ય ભારતીય ભાષાની પસંદગી બીજી ભાષા તરીકે કરવાની જોગવાઈ કરવામાં આવી છે. એક અભ્યાસ મુજબ વિશ્વના વિકસિત દેશોમાં પોતાની માતૃભાષાનો ઉપયોગ સંસ્કૃતિ અને પરંપરાઓમાં સુશિક્ષિત હોવું એ કોઈ અડચણ નહિ, પરંતુ ખરેખર શૈક્ષણિક, સામાજિક અને તકનિકી પ્રગતિ માટે ફાયદાકારક સાબિત થયો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, દેશની સર્વોચ્ચ અદાલતે કોઈ પણ રાજ્ય તેની પ્રાદેશિક ભાષા ફરજિયાતપણે શીખવવા માટે નીતિગત નિર્ણય લઈ શકે તે દરખાસ્તને પોતાના ચુકાદામાં માન્ય રાખી છે. આ ચુકાદામાં એવું પણ અવલોકન કરવામાં આવ્યું છે કે પ્રાદેશિક ભાષા શીખવાનો પ્રતિકાર બાળકોને જીવનના મુખ્ય પ્રવાહથી વિખૂટા પાડી દેશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ૨૦૨૦ એ પણ માતૃભાષામાં ત્રણ ભાષાની ફોર્મ્યુલા અને શિક્ષણને માન્યતા આપી છે. પંજાબ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોએ તેમની સંબંધિત પ્રાદેશિક ભાષાઓને જરૂરી બનાવતા કાયદાઓ પસાર કર્યા છે.
મંત્રીશ્રીએ આ વિધેયક અંતર્ગત કરાયેલી દંડ-શિક્ષાની જોગવાઇઓ અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યુ કે, ગુજરાત બહારના નિવાસી હોય અને ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને વાલીની લેખિત વિનંતી પર શાળા મુક્તિ આપી શકશે. મુક્તિ મળેલ શાળાઓ સિવાયની જો કોઇ શાળા પ્રથમ વખત કાયદાનું ઉલ્લંઘન કરે તો રૂ.૫૦ હજાર, બીજી વાર ઉલ્લંઘન કરે તો રૂ.૧ લાખ, તેમજ ત્રીજી વાર ઉલ્લંઘન કરે તો રૂ.૨ લાખના દંડને પાત્ર થશે. જો કોઇ શાળા એક વર્ષ કરતા વધુ સમયથી ઉલ્લંઘન કરે તો તેની માન્યતા રદ કરવા સુધીના પગલા લેવામાં આવશે.