108 એમ્બ્યુલન્સ સગર્ભા મહિલાઓ માટે સંજીવની સાબિત થઈ રહી છે. ત્યારે વધુ એક સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી. સુરત એરપોર્ટના ગેટ સામે જ મહિલાની પ્રસુતિ જાહેર રસ્તા પર જ કરાવવામાં આવી હતી. 108ની ટીમે સાડી અને ચાદરની આડશ બનાવીને ડિલિવરી કરાવી હતી.
જેથી માતાએ સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રૂપાબેન રાઠોડ ડુમ્મસના હળપતિ વાસમાં રહે છે. તેમને 9 મહિનાનો ગર્ભ હતો. પ્રસુતિનો સમય નજીક આવતા પીડા શરૂ થઈ હતી. ડુમ્મસથી મહિલાને ઇકો કારમાં નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન વધુ પીડા થતા એરપોર્ટ સામે જ કાર ઊભી રાખી દેવામાં આવી હતી અને 108ને જાણ કરવામાં આવી હતી.
108ના મહિલા ઇએનટીએ ચેક કરતા મહિલાને તાત્કાલિક પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી. મહિલાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો. મહિલાને 108માં મૂકવાનો પણ સમય ન હોવાથી જાહેર રસ્તા પર જ તેની પ્રસુતિ કરાવાઈ હતી. પ્રસુતિ બાદ મહિલાને બાળક સ્વસ્થ હતા માટે પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલે ખસેડાઇ હતી.