એક જ પરિવારના 7 સભ્યોના આપઘાત બાદ મૃતક મનીષ સોલંકીની સુસાઈડ નોટ મળી આવી છે. આ મામલે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું છે કે, મૃતકે આપઘાત કરતા પહેલા દોઢ પાનાની સુસાઈડ નોટ લખી હતી. જોકે, સુસાઈડ નોટમાં આપઘાત પાછળ કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુસાઈડ નોટમાં રૂપિયા લીધા બાદ કોઈ પાછા ન આપતા હોવાનો ઉલ્લેખ કરાયો છે.
સુરતના અડાજણમાંથી હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો છે. જે મુજબ સુરતના અડાજણમાં એક જ પરિવારના 7 લોકોએ સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 7 લોકોએ જીવન ટૂંકાવી દેતા ખળભળાટ મચી ગયો છે. અડાજણ વિસ્તારમાં એક જ પરિવારના 6 સભ્યોએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે. જ્યારે એક સભ્યએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા એક પરિવારે ઝેરી દવા ગટગટાવી પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધો છે. ઘરના મુખિયા મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે અને બાકીના સભ્યોએ ઝેરી દવા પીધી હોવાની શંકા છે.