અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતાં રમતાં બોરમાં પડી જતાં અમરેલી ફાયર અને 108ની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. બોરમાં ઉતારેલા કેમરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઇ રહ્યું હતું. ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો. ત્યારે 17 કલાક બાદ આરોહીને બોરમાંથી કાઢવામાં આવી છે, જોકે, તેનો જીવ બચાવી શકાયો નથી.
અમરેલીના સુરાગપરા ગામે બોરમાં પડેલી આરોહી નામની બાળકી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ છે. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવા માટે 17 કલાક સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે આરોહીને બોરમાંથી બહાર તો કાઢવામાં આવી છે પણ માત્ર આરોહીના મૃતદેહને જ બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એન ડી.આર.એફની ટીમોએ બાળકીને બચાવવા માટે ખુબ મહેનત કરી હતી, પરંતુ તેનો જીવ બચાવી શક્યા ન હતા.
ગઈકાલે બપોરના 12:30 વાગ્યાથી આજે સવારે 5:10 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ફાયર વિભાગ, એનડીઆરએફ, પોલીસ તંત્ર વહિવટી તંત્રએ સંયૂક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને વહેલી સવારે બહાર કાઢવામાં આવી હતી. તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર માટે લાવવામાં આવી હતી. પરંતુ અહિં તબીબે તેને મૃત જાહેર કરી હતી.