વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ અભિયાનના ભાગરૂપે લોકભાગીદારીથી પ્રાથમિક શાળાઓને આપવામાં આવી રહેલા સ્માર્ટ ક્લાસના ગુણાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ થવાની સાથે જ ખાનગી શાળા છોડી છાત્રો સરકારી પ્રાથમિક શાળામાં દાખલ થયા છે. આવા ૭૫ છાત્રો ખાનગી શાળામાં શિક્ષણનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં ફરી ભણવા લાગ્યા છે.
વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ શરૂ કરવા માટે કલેક્ટર અતુલ ગોરએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવા વિસ્તારોમાં વસતા છાત્રોને પણ ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવો ઉદ્દાત હેતું આ અભિયાન પાછળ રહેલો છે. આ માટે જિલ્લાની ૨૨૫ શાળાઓની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે પૈકી ૭૩ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ આપી દેવામાં આવ્યા છે. આ સ્માર્ટ ક્લાસમાં એજ્યુકેશનલ મોડ્યુઅલ સાથે એક ડેશ બોર્ડ આપવામાં આવે છે. જેમાં વિવિધ ધોરણના અભ્યાસક્રમો દ્રષ્ય શ્રાવ્ય માધ્યમમાં હોય છે. ગુજરાતી અને હિંદીની કવિતાઓ ગાન સાથે અને ગણીત તથા વિજ્ઞાનના પ્રયોગો એનિમેશન સ્વરૂપમાં હોય છે. આ વિશેષતા બાળકોએ રસ સાથે અભ્યાસ કરવા માટે પ્રેરે છે.
કરજણ તાલુકાના લીલોડ ગામની વાત બહુ જ રસપ્રદ છે. ત્યાંથી સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ થતાંની સાથે જ ખાનગી શાળાના છાત્રો ફરી દાખલ થયા છે. માત્ર ૯૦૦ જેટલી વસતી ધરાવતા લીલોડ ગામની પ્રાથમિક શાળામાં કુલ ૩૦૪ છાત્રો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળાના શિક્ષકોનું શિક્ષણકાર્ય પ્રત્યે એટલું સમર્પણ છે કે, આજુબાજુના સાતેક ગામના છાત્રો પણ ત્યાં અભ્યાસ કરવામાં આવે છે. એમાંય સ્માર્ટ ક્લાસ શરૂ થતાં ૧૩ છાત્રો ફરી સરકારી શાળામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લીલોડમાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવવા ઉપરાંત સ્માર્ટ ક્લાસ શરૂ થતાં બાજુના ગામમાં આવેલી એક ખાનગી શાળા હવે બંધ થવાની અણી ઉપર આવી ગઇ છે.
પોતાની દીકરીને ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મૂકનારા જયદેવભાઇ પાટણવડિયા નામના ખેડૂત કહે છે, હું મારી દીકરી ક્રિષ્નાના અભ્યાસકાર્યનું રોજબરોજ નિરીક્ષણ કરૂ છે. ખાનગી શાળામાં અભ્યાસ કરતા સરકારી શાળામાં ભણવાથી તેમની નોટ સારી રીતે તૈયાર કરે છે. કસોટીમાં પણ સારા માર્ક આવે છે.
ઉપશિક્ષક મહેન્દ્રભાઇ મહેરા કહે છે, અમે ધોરણ ૬થી ૮ના છાત્રોને સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરાવીએ છીએ. શાળામાં આ ત્રણ કક્ષામાં કુલ ૨૧૦ છાત્રો અભ્યાસ કરે છે. સ્માર્ટ લર્નિંગના કારણે છાત્રોની અભ્યાસ પ્રત્યેની રુચિ વધી છે. આ છાત્રોનું એકમ કસોટીમાં સારૂ પરિણામ જોવા મળ્યું છે.
ડભોઇ તાલુકાની મોટા હબીપુરા પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસના ઉપશિક્ષક શ્રી સોલંકી કહે, એજ્યુકેશનલ મોડ્યુઅલના કારણે ભણાવવાની પ્રક્રીયા એકદમ સરળ થઇ છે. વિજ્ઞાનના પ્રયોગો એકદમ સહજતાથી સમજાવી શકાય છે. દ્રષ્યશ્રાવ્ય માધ્યમ હોવાથી બાળકો પણ એકદમ ઉત્સાહથી અભ્યાસ કરે છે.
મોટા હબીપુરા પ્રાથમિક શાળામાં કુલ ૧૮૬ બાળકો અભ્યાસ કરે છે. તેમાં ધોરણ સાત અને આઠના કુલ ૫૪ છાત્રોને સ્માર્ટ ક્લાસમાં ભણાવવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવતા ૧૦ છાત્રો આ સરકારી શાળામાં ફરી ભણવા માટે દાખલ થયા છે. ગામના ખેડૂત હર્ષદભાઇ મોહનભાઇ પટેલે પોતાની પુત્રીને ફરી સરકારી શાળામાં દાખલ કરી છે. તે કહે છે, આ શાળામાં અભ્યાસ કરવાથી મારી દીકરીની બૌદ્ધિક ક્ષમતા વધવાની સાથે ઘરે લેશન પણ રૂચિ સાથે કરે છે. અભ્યાસમાં તેમનો રસ વધ્યો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી કહે છે, અમે એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં જ્ઞાનકુંજ ધરાવતી ૧૪૦ શાળાઓના ૫૭૭૮ છાત્રોને આવરી લેવામાં આવ્યા હતા. જ્ઞાનકુંજ વર્ગમાં અભ્યાસ નહોતા કરતા એવા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન ધોરણ ૬ના ઉક્ત ૫૭૭૮ છાત્રોમાંથી ૪૦ ટકા નીચે પરિણામ હોય એવા છાત્રોની સંખ્યા ૯૮૨ હતી. આ ટકાવારી ૧૭ ટકા જેટલી થવા જાય છે. જ્યારે, ૬૯ ટકા એટલે કે ૪૦૦૭ છાત્રોનું વાર્ષિક પરિણામ ૪૦થી ૭૯ ટકા જેટલું હતું. એ જ પ્રમાણે વાર્ષિક પરિણામમાં ૮૦ ટકાથી વધુ ગુણાંક ધરાવનારા છાત્રોની સંખ્યા ૭૫૦ (૧૨ ટકા) હતી.
હવે આ જ છાત્રો આ જ્યારે વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ ૮માં જ્ઞાનકુંજ વર્ગમાં અભ્યાસ કર્યો અને તે બાદ લેવાયેલી વાર્ષિક પરીક્ષામાં તેના ગુણાંકમાં વધારો નોંધાયો છે. આ વર્ષમાં કુલ ૫૮૫૩ છાત્રો નોંધાયા હતા. જ્ઞાનકુંજમાં અભ્યાસ કર્યા બાદ અભ્યાસમાં ૪૦ ટકા મેળવનારા છાત્રોની સંખ્યા ઘટીને ૧૨ ટકા થઇ ગઇ છે. ૪૦થી ૮૦ ટકા ધરાવનારા છાત્રોની સંખ્યા ૬૯ ટકા થઇ છે. જ્યારે, વાર્ષિક પરિણામમાં ૮૦ ટકાથી વધુ મેળનારા છાત્રોની સંખ્યામાં ૬ ટકાના વધારા સાથે ૧૮ ટકા નોંધાઇ છે. આમ, એકંદરે ઉચ્ચ ગુણાંક મેળનારા છાત્રોની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે.