ભારતમાં હજી 5જી ની ફાસ્ટ ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ નથી, ત્યારે તેને લોન્ચ કરવા માટે ઓથોરિટી દ્વારા પાઈલટ પ્રોજેક્ટ રુપે દીનદયાલ પોર્ટ સહિત ચાર સ્થળોનું ચયન કરાયું હતું. જેમાં નિર્ધારીત સમય કરતા પહેલાજ પોર્ટમાં તેની ટ્રાયલ શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે કંડલા પોર્ટ દેશનું ન માત્ર પ્રથમ પોર્ટ પરંતુ એવું સ્થળ બની ગયું છે જ્યાં 5જી ઈન્ટરનેટના મોટા પ્રોજેક્ટનું પ્રથમ ટ્રાયલ કરાઈ રહ્યું છે. મહિનાના અંત સુધીમાં સંપુર્ણ કાર્યાન્વિત કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો છે.
ભારત સરકારની ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડીયા (ટ્રાય) દ્વારા 5G ના ટ્રાયલ માટે ભારતભરમાંથી દિલ્હી એરપોર્ટ, ભોપાલ સ્માર્ટ સીટી, બેંગ્લોર મેટ્રો અને દીનદયાલ પોર્ટ ઓથોરિટી, કંડલા એમ ચાર સ્થળોને પસંદ કરાયા હતા. 28 એપ્રીલના આ સંદર્ભે મળેલી બેઠકમાં ઉપલબ્ધ તમામ ખાનગી કંપનીઓના ટાવર, માળખા, સ્ટ્રીટ પોલ, સ્ટ્રીટ ફર્નીચરની માહિતીઓ એકત્ર કરીને તેના થકી પ્રોજેક્ટને 90 દિવસમાં ટ્રાયલ સુધી પહોંચાડવાનું નિશ્ચીત કરાયું હતું, જેની સમય મર્યાદા પહેલાજ 21 જુલાઈના તેના ટ્રાયલની શરૂઆત કરી દેવાઈ હતી.
દીન દયાલપોર્ટ ઓથોરિટીના અગાઉ ચેરમેન રહી ચુકેલા અને હાલે ટ્રાયના ચેરમેન ડો. પી.ડી. વાઘેલા દ્વારા કરાયેલા આ નિર્ણયથી ડીપીએ દેશનું પ્રથમ 5જી નેટવર્ક ધરાવતું પોર્ટ બનશે. પોર્ટ દ્વારા 48 કોર ફાઈબર ઓપ્ટીક નેટવર્ક આપવામાં આવ્યા હતા. આ માટે સંયુક્ત સલાહકાર મનીશ લોધા, ડે. ચેરમેન નંદીશ શુક્લા, જીએમ હેમંત પાંડે, સતીશકુમાર ઝા, મનોજકુમાર સીંઘની વિશેષ કમીટીનું ગઠન પણ કરાયું હતું. ચેરમેન એસ.કે. મહેતા સહિતના વિભાગીય વડાઓ દ્વારા આ પ્રોજેક્ટને બળ આપવામાં આવ્યું હતું.