દેશમાં કોવિડ-19 વિરોધી રસીના અત્યાર સુધીમાં કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો લગભગ 18 કરોડ (આંજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર 17.93 કરોડ) સુધી પહોંચી ગયો છે. કોવિડ-19 રસીકરણ અભિયાને સફળતાપૂર્વક 118 દિવસ પૂરા કર્યા છે અને તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સહયોગપૂર્ણ પ્રયાસોથી કુલ 17.8 કરોડ લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. રસીકરણના 17 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા સુધી ભારત સૌથી ઝડપથી એટલે કે 114 દિવસમાં પહોંચી ગયું છે. USAને આટલી સંખ્યામાં રસીના ડોઝ આપવામાં 115 દિવસ જ્યારે ચીનને 119 દિવસ લાગ્યા હતા.
ત્યારે જો ગુજરાતની અત્યાર સુધીમાં કુલ 1,50,21,292 (dashboard.cowin.gov.in પ્રમાણે, 15 મે સવારે 10 વાગ્યા સુધીના આંકડા) લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. એમાં પહેલો અને બીજો બંને ડોઝનો સમાવેશ છે. ગુજરાતની 2011 પ્રમાણે વસતિ 6.04 કરોડ છે, જે પૈકી અંદાજે 25 ટકા જેટલા લોકોનું રસીકરણ થયું છે, જેમાં સૌથી વધુ અમદાવાદમાં 19,58,550 લાખ અને સૌથી ઓછું ડાંગમાં માત્ર 44,708 લોકોનું જ રસીકરણ થયું છે.
ગુજરાતમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ જિલ્લામાં 19,58,550 લાખ લોકોનું થયું છે. ત્યારબાદ સુરત બીજા ક્રમ છે સુરતમાં 14,35,342 લાખને રસીકરણ કરવામાં આવ્યું છે જ્યારે વડોદરા 10,48,806 સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે સૌથી ઓછું ડાંગમાં 44,708 લોકોનું જ રસીકરણ થયું છે. આ સાથે બોટાદમાં પણ ઓછું 88,371 લોકોનું જ રસીકરણ થયું છે.
આરોગ્ય ખાતાના જયંતી રવિએ જણાવ્યું હતું કે 14,15 અને 16 મે દરમિયાન 18થી 45 વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શિડયૂલ અપાઇ ગયાં છે અને એસ.એમ.એસ મળ્યા છે, માત્ર તેમના માટે વેક્સિનેશન આ ત્રણ દિવસ દરમિયાન ચાલુ રહેશે. એ સિવાય આ વયજૂથના નાગરિકોને માટે પણ એપોઇન્ટમેન્ટ ન મળી હોય તો રસીકરણ કે એનું શિડ્યૂલિંગ થશે નહીં.