ગુજરાતમાં આગામી સમયમાં દિવાળીનો તહેવાર ધૂમધામથી ઉજવાશે. લોકો તહેવારની સિઝનમાં પોતાના વતન તરફ પ્રયાણ કરશે. ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ના કરવો પડે તે માટે એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવાનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં સુરતથી અન્ય શહેરોમાં જવા માટે બસોની સંખ્યા વધારાઈ હતી
હવે રાજકોટથી અન્ય શહેરોમાં જવા માટે બસોની સંખ્યા વધારવામાં આવી છે. એસટી વિભાગ રાજકોટથી દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત જેવાં સ્થળોએ જવા માટે 5 નવેમ્બરથી 150 એક્સ્ટ્રા બસો દોડાવશે.રાજકોટ એસ. ટી. તંત્રના વિભાગીય નિયામક જે. બી. કરોતરાએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજકોટ ડિવિઝનમાં તહેવાર પર નક્કી કરાયેલા રૂટ પર વધુ 150 જેટલી બસ દોડાવાશે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર તરફ મુસાફરી કરતાં મુસાફરોને તેનો લાભ મળશે. 5 નવેમ્બર સુધીમાં એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવશે. ખાસ કરીને દ્વારકા, સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર અને પંચમહાલ જેવા રૂટ પર આ વધારાની બસો દોડાવાશે.વેકેશનમાં કેટલીક એકસ્ટ્રા બસમાં મુસાફરોએ રેગ્યુલર ભાડા કરતા થોડું વધારે ભાડું ચૂકવવું પડશે.