જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા એકીસાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની જતાં શિક્ષણ જગતમાં ભારે હડકંપ મચી ગયો છે. તમામ વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ તેમના પરિવારજનોના પણ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે.
શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી દેવાઇ છે. જામજોધપુરથી ઉપલેટા જતાં 35 વિદ્યાર્થીઓ પૈકી શહેરના પોઝિટિવ રિપોર્ટ મળ્યા હોવાથી જિલ્લા પંચાયતનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જામજોધપુરમાંથી 35 છાત્રો ઉપલેટા પાસે આવેલી એક ખાનગી શાળામાં બસમાં અભ્યાસ કરવા માટે જાય છે, જેમાં ધો. 1 થી 10 ના વિદ્યાર્થીઓ પ્રતિદિન અપડાઉન કરે છે. જે પૈકી દસમા ધોરણની એક વિદ્યાર્થીની કે જે જામજોધપુરમાં રહે છે, તેણીને તાવ શરદીની અસર થઇ હોવાથી સોમવારે શાળાએ ગઈ ન હતી. જેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી વિદ્યાર્થીના પરિવારમાં ચિંતા પ્રસરી હતી. દરમિયાન તેનાં પરિવારજનોએ અન્ય વિદ્યાર્થીઓને પણ જાણકારી આપી હતી. જેથી જામજોધપુર રહેતા અને ઉપલેટાની શાળામાં અભ્યાસ કરવા જતા 35 વિદ્યાર્થીઓને તાત્કાલિક અસરથી સ્કૂલ બસમાં તમામ વિદ્યાર્થીઓને જામજોધપુર લઈ આવ્યા પછી બપોરે એક વાગ્યે આરોગ્ય કેન્દ્રમાં પ્રત્યેક વિદ્યાર્થીઓના કોરોના પરીક્ષણ કરાવાયા હતા. જેમાં એકસાથે વધુ 12 વિદ્યાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે દોડધામ મચી ગઇ હતી. કોરોનાથી સંક્રમિત તમામ 12 વિદ્યાર્થીઓને હોમ આઇશોલેશન કરાયા છે. સાથોસાથ પ્રત્યેક વિદ્યાર્થીના વાલી અને તેમના અન્ય પરિવારજનોના કોવિડ ટેસ્ટની કાર્યવાહી શરૂ કરાઇ છે. જામજોધપુરના વિદ્યાર્થીઓના સંક્રમિત થયાના અહેવાલને પગલે ઉપલેટા પંથકમાં આવેલી શાળા કે જ્યાંથી કોરોનાનું સંક્રમણ ફેલાયું હોવાનું અને વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હોવાથી શાળાને તાત્કાલિક અસરથી બંધ કરી તમામ વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ મેળવવા જણાવાયું છે. શાળામાં સેનીટેશનની સહિતની પ્રક્રિયા હાથ ધરી લેવાઈ છે ઉપલેટા તેમજ આસપાસના પંથકના વિદ્યાર્થીઓના પણ કોવિડ પરીક્ષણની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી છે. જામનગર જિલ્લામાં એકીસાથે 13 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની ગયા હોવાનો પ્રથમ કિસ્સો બન્યો છે. જેથી વિદ્યાર્થી આલમમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.