અસાધ્ય બીમારીથી પીડાતા પોતાના દીકરાના ઈચ્છા મૃત્યુ માટે સાવરકુંડલાના દિનેશભાઈ મૈસુર્યાએ એક જ વર્ષમાં પીએમને ફરી પત્ર લખ્યો છે. આ વખતે તેમણે પત્ર દીકરાની સારવારમાં કોઈ કચાશની ફરિયાદ કરવા નહીં, પરંતુ પોતાના દીકરાને દયા મૃત્યુ આપવાની વિનંતી કરવા લખ્યો છે. મગજની અસાધ્ય બીમારીથી પીડાતા દીકરાને રોજેરોજ દર્દથી કણસતો જોવો આ મા-બાપ માટે અસહ્ય બની રહ્યું છે.
તેમના દીકરાને દર 10 મિનિટે જોરદાર આંચકી આવે છે. દિનેશભાઈનો 12 વર્ષનો દીકરો પાર્થ સબક્યુટ સ્ક્લેરોસિંગ પેનીનેસ્કિફાલિટીસ (SSPE)થી પીડાય છે, જે મગજનો દુર્લભ રોગ છે. જેના કારણે દર્દીને અચાનક આંચકી આવતી રહે છે, અને દર્દીનો પોતાના હાથપગના હલનચલન પર કોઈ કાબૂ નથી રહેતો. આ પરિવારે પીએમ મોદીને મદદ માટે પત્ર લખ્યો ત્યાર બાદ પીએમ ઓફિસની સૂચના બાદ પાર્થને દિલ્હી સ્થિત એઈમ્સમાં સારવાર માટે લઈ જવાયો હતો. ડોક્ટરોનું કહેવું છે કે, પાર્થને જે રોગ થયો છે તેનો કોઈ ઈલાજ નથી. દિનેશભાઈ જણાવે છે કે, ‘મેં પાર્થને ડોક્ટરોને રિસર્ચ માટે સોંપી દીધો છે, જેથી તેઓ આ રોગની દવા તૈયાર કરી શકે. જોકે, તેની કોઈ દવા હાલ ઉપલબ્ધ ન હોવાથી મેં પાર્થ માટે દયા મૃત્યુની માગ કરી છે.’ પરંતુ, દેશના કાયદા અનુસાર, ઈચ્છા મૃત્યુને કોઈ અવકાશ નથી.