ભારત સરકારની ગાઈડલાઈન મુજબ કન્ટ્રીઝ એટ રિસ્કમાંથી આવતા મુસાફરો એરપોર્ટ પર આવે ત્યારે કોરોનાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. કોરોનાના ટેસ્ટિંગ દરમિયાન નેગેટિવ રિપોર્ટ આવેલા તમામ મુસાફરોને સાત દિવસ સુધી ફરજિયાત હોમ ક્વોરન્ટીન રહેવાનુ હોય છે. ત્યારે હોમ ક્વોરન્ટીન ન રહીને નિયમનો ભંગ કરનાર 10 જેટલા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગ પોલીસ ફરિયાદ કરી છે.
ઝોનના હેલ્થ વિભાગના સ્ટાફ દ્વારા મુસાફરોના આગમાનના દિવસે જ રૂબરૂ ઘર મુલાકાત કરી જે-તે પેસેન્જર હોમ કવોરન્ટીનની સૂચનાનું પાલન કરે તે બાબતે લેખિતમાં જાણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે અલગ અલગ જગ્યાએ તપાસ કરતા મણિનગર વિસ્તારમાં 5, ચાંદખેડા વિસ્તારમાં 4 અને વાસણામાં 1 એમ કુલ 10 લોકો હોમ ક્વોરન્ટીનનો ભંગ કરતા મળી આવ્યા હતા. જેઓ સામે ચાંદખેડા, મણિનગર અને વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુસાફરોના આગમનથી લઈ સાત દિવસ સુધી ફોલોઅપ કરવાની કામગીરી સંજીવની ટીમ કે હેલ્થ ટીમ દ્વારા કરવામાં આવે છે. આ ફોલોઅપની કામગીરી દરમિયાન જો કોઈ મુસાફર દ્વારા હોમ ક્વોરન્ટીનના નિયમનો ભંગ કરવામાં આવે તો પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત આજે ગુરુવારે 10 મુસાફરો દ્વારા હોમ ક્વોરન્ટીનના નિયમનો ભંગ કરવા બદલ ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન -2020 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત પોલીસ કમ્પલેન કરવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા "કન્ટ્રીઝ એટ રિસ્ક" માંથી આવતા જે મુસાફરોને સરકારની ગાઈડલાઈન મુજબ હોમ ક્વોરન્ટીન કરવામાં આવે છે. તમામ મુસાફરોએ ચુસ્તપણે ગાઈડલાઇન અનુસાર હોમ ક્વોરન્ટીનનું પાલન કરવા જણાવવામાં આવે છે. જો કોઈ મુસાફર હોમ ક્વોરન્ટીનના સમય દરમિયાન બેદરકાર જણાશે તેવા તમામ મુસાફરો સામે ગુજરાત એપીડેમીક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020 અંતર્ગત પોલીસ ફરિયાદ કરાશે.