ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 1.41 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે સાયન્સમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષા માટે 1.43 લાખ વિદ્યાર્થી નોંધાયા હતાં. આ વખતે પણ દર વર્ષની જેમ બે ગ્રૂપ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાનું જાણવા મળે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા માટેની તૈયારીઓ બોર્ડ દ્વારા શરુ કરી દેવામાં આવી હતી. ઓનલાઈન ફોર્મ ભરવા સહિતની કામગીરી પૂર્ણ થયા બાદ હાલમાં કોરોનાના કેસો વધતાં સરકાર દ્વારા પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. જ્યારે આગામી 15મી મેના રોજ પરીક્ષા માટે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. છેલ્લા સપ્તાહથી જે રીતે રાજ્યમાં કોરોનાના કેસો ઘટી રહ્યાં છે તેને જોતાં જુન માસમાં બોર્ડની પરીક્ષા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.
દરમિયાન આ વખતે બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સ માટે સમગ્ર રાજ્યમાંથી 1.41 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હોવાનું જાણવા મળે છે. જેમાં બી ગ્રૂપમાં દર વર્ષની જેમ આ વખતે પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. આ વખતે 12 સાયન્સમાં એ ગ્રૂપમાં 54 હજાર, બી ગ્રૂપમાં 87 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજ્યમાં ગત વર્ષની સરખામણીમાં આ વખતે વિદ્યાર્થીની સંખ્યામાં 2 હજાર જેટલો સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે.
ગત વર્ષની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાંથી ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 1.43 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં. જેમાંથી પરીક્ષા વખતે 1.42 લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિદ્યાર્થી પૈકી નિયમિત વિદ્યાર્થી 1.16 લાખ નોંધાયા હતાં. પરીક્ષામાં પણ 1.16 લાખ વિદ્યાર્થીઓ બેઠા હતાં અને 83 હજાર વિદ્યાર્થીઓ પાસ થયાં હતાં. આમ નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 71.34 ટકા આવ્યું હતું. ગત વર્ષે નિયમિત વિદ્યાર્થીમાં એ ગ્રૂપના 43480, બી ગ્રૂપના 73178 અને એબી ગ્રૂપના 25 વિદ્યાર્થી હતાં.