શહેરમાં બે દિવસ અગાઉ કોંગ્રેસ કાર્યાલયની બહાર પથ્થરબાજીની જે ઘટના મુદ્દે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ સંબોધન કરીને આ સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે રચાયો તે વિશે માહિતી આપી હતી. હાલ આ ઘટનાને લઈને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 10 લોકો સામે ફરિયાદ નોંધાવાઈ છે. શક્તિસિંહે કહ્યું હતું કે, મેં રાહુલ ગાંધીને અહીં બોલાવ્યા છે તેઓ અમદાવાદ આવીને કાર્યકર્તાને મળશે.
ભાજપે ભગવાન શિવનું અપમાન કર્યુંઃ શક્તિસિંહ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દેવોનાં દેવ શિવજી સાથે રાખી ડાભા ખભે ત્રિશુલ છે એટલે એનો મતલબ છે કે ડરો નહીં ડરાઓ નહીં, ત્યારે ભાજપ તમામ લોકોને ડરાવીને હિંસા કરે છે ત્યારે હિન્દુ ક્યારેય હિંસક ન હોઈ શકે. શંકરાચાર્ય અને હિન્દુ મહાસભાએ પણ કહ્યું કે રાહુલ ગાંધીની વાત સાચી છે. ભાજપે ભગવાન શિવનું અપમાન કર્યું છે તેથી કોઈ પણ શિવ ભક્ત ભાજપને કયારેય માફ નહીં કરે. અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય કોઈ રાજકીય પાર્ટીએ બીજી પાર્ટીના કાર્યાલય પર જઈ હુમલા કર્યા નથી પરંતુ ભાજપે ત્રણ ત્રણ વખત કોંગ્રેસ કાર્યાલય પર હુમલા કર્યા.
ભાજપ પાસે વિરોધ કરવાની પોલીસ પરમિશન પણ ન હતી
શક્તિસિંહે કહ્યું કે, રાત્રે 4 વાગે કાર્યાલય પર આવીને કાર્યાલય સળગાવી દેવા પ્રયાસ કરાયો, દરવાજા તોડ્યા, કાર્યાલય પર રહેલી એક ગર્ભવતી મહિલા પર હુમલો કરાયો તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસ ઓફિસ પર જઈને પથ્થરમારો કરવાનો છે. આવા મેસેજ વાયરલ થયા બાદ કોંગ્રેસે પોલીસમાં જાણ કરી હતી. ભાજપના કાર્યકર્તાઓને અહીં આવીને વિરોધ કરવાની પોલીસ પરમિશન પણ ન હતી છતાં પોલીસ તેમને મદદ કરી રહી છે. હું કાયદો જાણું છું મારા ઘરમાં કોઈ તોડફોડ કરે તો સેલ્ફ ડિફેન્સનો મને અધિકાર છે. અમારા ઘરમાં અમારી ઓફિસમાં હુમલા થયા ત્યારે અમારી ફરિયાદ નહીં લેવાની અને ભાજપે ફરિયાદ લખાવી ત્યારે નામ સાથે કોંગ્રેસ કાર્યાલયમાંથી ઉઠાવી ગયા. અમારા શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલને રાત્રે 11 વાગ્યા સુધી બેસાડી રાખે છે.
રાહુલ ગાંધી આ સંદર્ભે ગુજરાત આવશે
રાહુલ ગાંધીને લઈને તેમણે જણાવ્યું કે મેં રાહુલ ગાંધીને અહીં બોલાવ્યા છે તેથી રાહુલ ગાંધી પણ આવીને એમના કાર્યકર્તાને થોડાક સમયમાં મળશે. કોઈની પણ પ્રેમાઈસીસમાં વગર વોરંટે પોલીસ આવી શકે નહીં. ત્યારે અમારી પાસે ફૂટેજ છે કે અમારા કાર્યાલયમાં આવીને તોડફોડ કરી છે અને નામજોગ પોલીસ અધિકારીઓ સામે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને લડીશું. આ અંગે પોલીસ કમિશનર અમારી ફરિયાદ નહીં લે તો 6 જુલાઈના રોજ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થશે અને જેલ ભરો આંદોલન કરશે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો કેવી રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા આવા લોકો ઉપર કડક પગલાં લેવડાવવા એ અમને આવડે છે.