પ્રતિષ્ઠાનો જંગ બનેલી જસદણ બેઠક પરથી કુંવરજી બાવળીયાએ ફોર્મ ભર્યુ છે. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા અને ભરત બોઘરા હાજર રહ્યા હતા. બાવળીયાએ પક્ષ પલટો કરતા જસદણ વિધાનસભાની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. કુંવરજી બાવળીયાએ ફોર્મ ભરતા પહેલા જસદણમાં ભાજપના નેતાઓ સાથે મોટી રેલી કાઢી હતી. કુવરજી બાવળિયાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસમાં હજુ નામ બાબતે ઠેકાણા પણ નથી.આ પહેલા ભાજપના નેતાઓએ સભા પણ સંબોધી હતી. જેમાં રાજકોટ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા. પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને બેકફૂટ પર ધકેલવા ભાજપે પણ રણનીતિ તૈયાર કરી છે. જસદણ બેઠક કોંગ્રેસની પરંપરાગત બેઠક ગણવામાં આવે છે. ત્યારે જસદણ બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ એટી ચોટીનું જોર લગાવશે.મહારાષ્ટ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સરકાર પાટીદારોના નિશાને રહી છે કેમકે,એક જ સવાલ પૂછાઇ રહ્યો છે કે, જો મહારાષ્ટ્ર સરકાર અનામતનો નિવેડો લાવી શકી તો ગુજરાતમાં ભાજપ સરકાર કેમ પાટીદારોને લોલીપોપ આપી રહી છે. આમ,પાટીદારો હવે આરપારની લડાઇ લડવાના મૂડમાં છે. ખુદ ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છે કે,પાટીદારો ભાજપ વિરોધી મતદાન કરશે તો, કુંવરજી બાવળિયાને લીલાતોરણે ઘેર પરત ફરવુ પડશે. પાટીદારો ય ભાજપને જસદણની પેટાચૂંટણીમાં રાજકીય સબક શીખવાડવાની તૈયારીઓ કરી રહ્યાં છે. હાર્દિક પટેલ પણ ભાજપને ચૂંટણી મેદાને હરાવવા મેદાને પડયો છે.