Roza રોજા દરમિયાન મુસ્લિમોને માટે, સુર્યોદયથી લઇ અને સુર્યાસ્ત સુધી, ખાવું, પીવું, ધુમ્રપાન અને જાતીય સમાગમ પર મનાઇ હોય છે. રોજા મુલતઃ અલ્લાહની નજીક રહેવા માટેનો અને પોતાની ધર્મપરાયણતા વધારવા માટેનો સનિષ્ઠ પ્રયાસ છે. રોજાનો અન્ય એક ઉદ્દેશ ગરીબો, કે જેઓ પાસે ખાવા પૂરતું અનાજ કે પીવા પૂરતું પાણી નથી, પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનો પણ છે. બુરાઇ અને કુવિચારોથી બચવાની કોશિશ પણ છે. ઉપવાસનો એક ઉદ્દેશ વ્યક્તિની ઇચ્છાઓ પર કાબુ મેળવવાનો અને અલ્લાહની બંદગી પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવાનો પણ છે.
પવિત્ર રમજાન માસમાં મુસ્લીમ રોજેદારો વહેલી સવારથી સાંજના મગરેબની નમાઝ સુધી રોજા દરમિયાન કશુ પણ ખાધા-પીધા વિના રોજા રાખી ઈબાદત કરે છે. તેમજ દિવસ દરમિયાન પાંચ વખતની નમાઝ અને રાત્રે ઈસાની નમાઝ બાદ તરાવીહની ખાસ નમાઝ અદા કરવામાં આવતી હોય છે. બીરાદરો વધુમા વધુ કુરાન શરીફનું પઠન, ઝકાત,ખેરાત, સદકા સહિતની બંદગી કરવામાં આવે છે.
ભારતના અનેક ધર્મોના સહઅસ્તિત્વમાં સમાયેલી સમાનતા ઉપવાસ, સૌમ કે રોજા જેવી ધાર્મિક માન્યતાઓમાં પણ દેખાય છે. હિંદુ સમાજમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ અને મુસ્લિમ સમાજમાં રમજાન માસ આવા સુભગ સમન્વયની સાક્ષી પૂરે છે.
ઉપવાસ, રોજા કે સૌમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસોમાં માત્ર ત્રીસ રોજા ગુનાઓને ધોવા અને ખુદાની ઇબાદતમાં લીન થવા ઓછા છે. તેથી જ દરેક મુસ્લિમ એ દિવસોમાં નૈતિક મૂલ્યોના આચરણ સાથે નમાજ, જકાત-ખેરાત દ્વારા સવાબ (પુણ્ય) કમાવાનો નિષ્ઠાપૂર્વક યત્ન કરે છે. મુસ્લિમ વકીલ આ માસમાં કેસ લડવાનું કે ચલાવવાનું ટાળે છે. મુસ્લિમ વેપારીઓ ધંધામાં નૈતિકતાને પ્રાધાન્ય આપે છે.
આંગણે આવેલ ગરીબ-ગુરબાને પાછા કાઢવાનો આ માસ નથી. પાસપાડોશી, સગાંસંબંધી અને આપણા આશરે જીવતા દરેક માનવીને છુટા હાથે દાન કરવાનો આ માસ છે. માલમિલકત, પૈસા, સોનું-ચાંદી જે કંઇ મુસ્લિમ પાસે હોય તેના સરવાળાના અઢી ટકા જકાત પેઠે કાઢવા દરેક મુસ્લિમ માટે ફરજિયાત છે. જકાત એટલે દાન. એ ઇસ્લામનો સમાન સમાજ રચના માટેનો આગવો સિદ્ધાંત છે. રમઝાન માસમાં જકાત-ખૈરાત આપવામાં કોઇ પણ સાચો મુસલમાન અચકાતો નથી. ઇસ્લામમાં રોજા દરેક મુસ્લિમ માટે ફરજીયાત કરવામાં આવ્યા છે.