Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો અલૌકિક પ્રેમ અને પવિત્ર ભાવનાનો પ્રતિક તહેવાર

રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો અલૌકિક પ્રેમ અને પવિત્ર ભાવનાનો પ્રતિક તહેવાર
, મંગળવાર, 20 જુલાઈ 2021 (21:58 IST)
માનવજાતમાં ‘મા’નો પ્રેમ અને શુશ્રુષા બીજું કોઈ જ દાખવી ન શકે. માતૃપ્રેમ પછી જગતમાં ભગિની પ્રેમનું સ્થાન છે. આ બે સંબંધોની તોલે જગતમાં બીજો કોઈ સબંધ ન આવે. પિતા-પુત્ર, ભાઈ-ભાઈ, પતિ-પત્નિ વગેરેના પ્રેમમાં માત્ર સ્વાર્થ હોય છે. જ્યારે માતૃપ્રેમ અને ભગિની પ્રેમ નિ:સ્વાર્થ, નિષ્કલંક અને પવિત્ર હોય છે. એ પ્રેમને કેળવણી, જ્ઞાન, ધન કે બીજી કોઈ વસ્તુ સાથે સંબંધ નથી. શહેરી કે ગામડિયણ, ભણેલી કે અભણ પ્રત્યેક માતા અને બહેનના હૃદય  મધ્યે માત્ર બાળક અને ભાઈ માટે નિ:સ્વાર્થ પવિત્ર પ્રેમ જ હોય છે.
 
        ભાઈ-બહેનના પવિત્ર સ્નેહ માટે આપણી ધર્મ-સંસ્કૃત્તિએ બે તહેવારોની પણ ઉજવણી રાખી છે.ભાઈબીજ અને બળેવ. ભાઈબીજને દિવસે ભાઈ બહેનને ત્યાં જમવા જાય છે અને ભાઈ પોતાની શક્તિ પ્રમાણે બહેનને વીરપસલી ધરે છે. જ્યારે બળેવને દિવસે બહેન ભાઈ ને ત્યાં આવે અને ભાઈને રાખડી બાંધી શુભ અને દિર્ઘાયુ ઈચ્છે છે. ભાઈ યથાશક્તિ હૃદયપૂર્વકની લાગણીથી પોતાની ભેટ ધરે છે.
 
        બહેન કેવળ ભાઈના સ્નેહની જ ભૂખી હોય છે.એ તો ભાઈ ને ફક્ત એટલું જ કહે છે “ “ભૈયા મેરી રાખી કે બંધન કો ન ભુલાના”. ભારતના ઇતિહાસમાં મુગલ રાજા હુમાયુ અને રજપૂત રાણી કર્ણાવતીના રક્ષાબંધનનો પ્રસંગ ભાઈ-બહેનના હેત માટે જાણીતો છે. કર્ણાવતીએ મુગલ રાજા હુમાયુને રાખડી મોકલી પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો અને એ રાજા ધર્મ, જાતિ અને દેશના ભેદ ભૂલીને બહેનની મદદે દોડી ગયો હતો.
 
        આપણા અર્વાચીન કવિઓ- મેઘાણી, ન્હાનાલાલ અને બોટાદકરે અને પ્રત્યેક સાહિત્યકારોએ ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમ માટે ઘણું ઘણું લખ્યું છે. લોક સાહિત્યમાં ભાઈ-બહેનના હેત માટે હૃદયને સ્પર્શી જાય એવાં ઘણાં ગીતો પણ મળી આવે છે.
 
બેનડીના મુખમાંથી નીકળતા શબ્દો, ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ સાંભળી ક્યા ભાઈનું હૃદય નહિ સમાતું હોય?. બહેનના આશિષ માટે એનો વીરો આપી આપીને પણ શું આપવાનો? વિશ્વની કોઈપણ અમુલ્ય ભેટ પણ બહેનના પવિત્ર સ્નેહ પાસે તુચ્છ જ ગણાય.
 
 આ અલૌકિક, નિ:સ્વાર્થ અને હૃદયના તાંતણે બંધાયેલા હર્યાભર્યા ભાઈ-બહેનના હેતના વર્ણન માટે તો જગતના મહા કવિઓ કલમ ચલાવે તોય એમાં અપૂર્ણતા જ રહેશે. વિશ્વના પ્રત્યેક ભાઈ માટે આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર જીંદગીના નિ:સ્વાર્થ પવિત્ર પ્રેમનું અવિરત ઝરણું અને સંભારણું બની રહે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેવશયની અગિયારસના દિવસે ન કરશો આ 11 કામ, નહી તો ફળ નહી મળે