રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાંથી ગુમ થયેલી બાળકીની માથું છૂંદેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ બાળકી તેના પિતાને બનાવ અંગે જાણ કરશે તેવા ભયથી બાળકીનું મોત નિપજાવવાનું નક્કી કરી પથ્થરના ઘા માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
ઉલ્લેખનયી છે કે, પકડાયેલા આરોપીઓ એકલા રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને બાળકીના પરિવારજનો સાથે પરિચય ધરાવતા હોવાથી બાળકીને ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.રાજકોટમાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેથી અવાવરૂ જગ્યાએથી એક બાળકીની માથું છુંદાયેલી લાશ મળી આવી હતી. ત્યાર બાદ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને પોલીસે તાજેતરમાં ગુમ થયેલી બાળકીના પિતાને બોલાવી મૃતદેહની ઓળખ કરાવતાં તે લાશને પિતાએ પોતાની બાળકી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ પોલીસે તપાસ તેજ કરી દીધી હતી.
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી તપાસ શરૂ કરી અને મહત્વની કડી મળી હતી. પોલીસને મિથિલેશ નામનો શખ્સ બાળકીને લઈ જતાં સીસીટીવીમાં જોવા મળ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને પુછપરછ હાથ ધરી હતી. મીથિલેશે પુછપરછમાં પોલીસ સામે વટાણા વેરી નાંખતાં કુલ 3 આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી હતી.રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બાતમીના આધારે તપાસ શરૂ કરી બિહારના મિથિલેશ, રાજસ્થાનના ભરત મીણા અને ઉત્તરપ્રદેશના અમરેશની ધરપકડ કરવામાં આવી છે. હવે આરોપીઓ પકડાયા બાદ તેમને દુષ્કર્મ આચર્યાની કબુલાત આપ્યા બાદ તેમના મેડિકલ પુરાવાના આધારે ગેંગરેપ તેમજ પોક્સોની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.