ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે. દરમિયાન ભરૂચ અને તેની આસપાસના વિસ્તારમાં લોકપ્રિય નેતા એવા ચૈતર વસાવા પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ચૈતર વસાવા સામે થયેલી પોલીસ ફરિયાદ બાદ લગભગ એક મહિના કરતાં પણ વધુ સમયથી તેઓ ફરાર હતા. બાદમાં તેઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.
ચૈતર વસાવા પર વનવિભાગના કર્મચારીઓને ધમકી આપવાનો અને મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે.
તેમના તરફથી વકીલ તરીકે ગોપાલ ઇટાલિયાએ રજૂઆતો કરી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેમની સામે નોંધાયેલી ફરિયાદ ખોટી અને ઉપજાવી કાઢેલી છે. ઇટાલિયાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે તેઓ આગળની પ્રક્રિયા કાયદા પ્રમાણે કરશે.
તેમણે એ પણ કહ્યું કે, “ચૈતરભાઈ સામે પોલીસની કામગીરી તેમના કોઈ રાજકીય આકાઓના ઈશારે થતી હોય તેવું લાગે છે.”
ઉલ્લેખનીય છે કે ભાજપ ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી 26માંથી 26 સીટ જીત્યો છે. પણ ચૈતર વસાવાની લોકપ્રિયતા વધતા કેટલાક રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે તેઓ ભાજપનું 26માંથી 26 ગણિત ખોરવી શકે છે.
40 ટકાથી વધુ મુસ્લિમ મત ધરાવતી ભરૂચ લોકસભા સીટ પર 1957થી 1984 સુધી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે અને ત્યારબાદ 1989થી 2019 સુધી ભાજપ ખૂબ સારા મતોથી કૉંગ્રેસની સામે જીતતો આવ્યો છે.
જો છેલ્લી 2019ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના મનસુખ વસાવાને 55.47 ટકા મતો મળ્યા હતા, જ્યારે કૉંગ્રેસના શેરખાન પઠાણને માત્ર 26.40 ટકા મતો મળ્યા હતા.
આ સીટ પર 1989 સુધી માત્ર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો રહ્યો છે. જોકે ત્યારબાદ છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી આવતા ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો.
ભરૂચ લોકસભાની સીટ પર 14 લાખ જેટલા મતદારો છે, જેમાં 7.34 લાખ પુરુષ મતદારો અને 6.82 લાખ મહિલા મતદારો હતાં. ભરૂચ લોકસભા સાત વિધાનસભા સીટથી બનેલી છે, જેમાં ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર અને કરજણ વિધાનસભાઓ સામેલ છે. હાલમાં ડેડિયાપાડા સિવાય તમામ વિધાનસભા સીટ પર ભાજપના ધારાસભ્ય છે, જ્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ગત વિધાનસભા 2022માં ચૂંટણી જીત્યા હતા.
જોકે ભરૂચ વિધાનસભા ઉપરાંત તમામ સીટો પર આપ ત્રીજા સ્થાને છે, જ્યારે ભાજપ ખૂબ મજબૂત રીતે પ્રથમ સ્થાન પર છે અને બીજા સ્થાને કૉંગ્રેસ છે.
જો આપને મળેલા વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો ભરૂચમાં આપને કુલ પડેલા મતોના 8.45 ટકા મતો મળ્યા હતા, જ્યારે કરજણમાં 4.3 ટકા, ડેડિયાપાડામાં 55.87 ટકા, જંબુસરમાં 2.08 ટકા, વાગરામાં નોટા કરતા પણ ઓછા 1.2 ટકા પડ્યા હતા, ઝગડિયામાં 9.99 ટકા અને અંકલેશ્વરમાં 3.33 ટકા મતો પડ્યા હતા.
ભરૂચ લોકસભાની સ્થિતિ
રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ માને છે કે, "આપ ભાજપનું 26 સીટોનું ગણિત બગાડી શકે તેવી કોઈ જ શક્યતા લાગી નથી રહી. તેમાંય દક્ષિણ ગુજરાત તરફ તો બિલકુલ નહીં, કારણ કે જે રીતે સુરત અને તેની આસપાસના વિસ્તારોમાં નેતાઓ આપને છોડીને ગયા છે, તે રીતે પાર્ટીને ખૂબ મોટું સેટબૅક મળ્યું છે."
"બીજી બાજુ પાર્ટીની જે ટોચની નેતાગીરી છે, તે પોતે જ હાલમાં વેરવિખેર છે, અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ હાલમાં પોતાનું ઘર બચાવવામાં લાગેલા છે, તેવામાં ગુજરાતના ભરૂચમાં તેમનો કોઈ ધારાસભ્ય સાંસદ કેવી રીતે બને તેના પર તેઓ ધ્યાન આપી શકે તે વાત માની શકાય તેવી નથી. એટલે ભરૂચ સીટ પર આપ જીતે તેની શક્યતા મને નહિવત્ લાગે છે."
પૂર્વ પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક હેમંતકુમાર શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, “ચૈતર વસાવા અને આપ ચોક્કસ ફરક પાડી શકે છે. ડેડિયાપાડામાં તેમને જો સારા મતો મળે અને બીજી બે કે તેનાથી વધુ વિધાનસભામાં તેઓ ફરક પાડી શકે, તો મને લાગે છે કે આ સીટ ભાજપના હાથમાંથી નીકળી જાય. પરંતુ મોટો પ્રશ્ન એ છે કે શું કૉંગ્રેસ અને આપ INDIA ગઠબંધન હેઠળ ચૂંટણી લડશે, અને તો લડશે તો ભરૂચ સીટ તેમના ખાતામાં આવવાની તક છે.”
આ વિશે બીબીસી ગુજરાતીએ આપના રાષ્ટ્રીય જૉઇન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, “આજના સમયમાં અમારી પાસે સંઘર્ષ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હાલમાં આપના નેતા ચૈતરભાઈ પર જે રીતે ખોટો પોલીસ કેસ કરીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે, તેને કારણે લોકોમાં ભાજપની સામે ખૂબ આક્રોશ છે. આપના કાર્યકર્તાઓ ડોર-ટુ-ડોર જઈને લોકોને મળી રહ્યા છે. અમે 2024ની ચૂંટણીમાં ચૈતરભાઈને ભરૂચની સીટ પરથી જીતાડવાનો પૂરો પ્રયાસ કરીશું.”
જોકે આ વિશે ચૈતર વસાવા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
આદિવાસી અને મુસ્લિમ મતદારોની બહુમતી
ભરૂચ સીટ ગુજરાતની એક અનોખી સીટ છે, જેમાં આદિવાસી અને મુસ્લિમ મતદારો બહુમતીમાં છે.
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોષી પ્રમાણે, ભરૂચનો પૂર્વી ખૂણો આદિવાસી મતદારોથી, તો પશ્ચિમી ખૂણો મોલેસલાન ગરાસિયા સમુદાયોથી ભરેલો છે અને આ બન્ને મતદારો એક સમયે કૉંગ્રેસના મતદારો હતા. જે દિવસે ભાજપનો સારો પર્યાય મળે તે દિવસે આ બન્ને પ્રકારના મતદારો ફરી શકે તેવી શક્યતા છે.
તેઓ કહે છે કે, "જો આપ અને કૉંગ્રેસનું ગઠબંધન થાય અને ચૈતર વસાવાને આ કેસને કારણે જે લોકચાહના મળી છે, તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો હું માનું છું કે પૂરેપૂરી શક્યતા છે કે ભરૂચ સીટ પર ભાજપ નહીં જીતી શકે."
જોકે તેઓ એ પણ કહે છે કે, "પરંતુ જો આ બન્નેએ પોતપોતાના અલગઅલગ ઉમેદવારો ઊભા કર્યા તો એ પણ ચોક્કસ છે કે બન્ને હારી જવાના છે, ભાજપને પછી જીતવા માટે કોઈ જ મહેનત કરવી નહીં પડે."
તેમણે એ પણ કહ્યું કે ભૂતકાળમાં એવા અનેક પ્રસંગો જોવા મળ્યા છે, જેમાં ભાજપના હાલના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીની લાઇન ક્રૉસ કરી હોય, માટે મને લાગે છે કે પાર્ટી તેમનો પર્યાય પણ શોધી રહી છે.
ભરૂચ લોકસભામાં જે સાત વિધાનસભા આવે છે તેમાં આપને મળેલા વોટમાં ડેડિયાપાડમાં સિવાય બીજી કોઈ સીટ પર બહુ સારી ટકાવારીમાં મતો મળ્યા નથી, પરંતુ તેમ છતાં આપને આશા છે કે ભરૂચ સીટ ભાજપની 26/26 સીટનો ખેલ બગાડી શકે છે.
રાજકીય પક્ષોની શી અપેક્ષા છે?
ગુજરાતમાં ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકૉર્ડ સીટ સાથે જીત મેળવી હતી અને આગામી લોકસભામાં ભાજપ એવી જ જીત માટે ઉત્સાહિત છે.
ભરૂચનાં સમીકરણ અંગે ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "ડેડિયાપાડાને બાદ કરી દઈએ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની નામે આખી સીટમાં કોઈ કાર્યકર્તા પણ નથી. મને એ નથી સમજાતું કે આ લોકો ક્યા આધારે જીતવાનાં સપનાં જોઈ રહ્યાં છે."
"તેમના કરતાં તો વધુ મોટું સંગઠન કૉંગ્રેસનું છે, જે છેલ્લાં કેટલાય વર્ષોથી જીતી નથી શકી. માટે આ વખતે પણ ભરૂચની સીટ ભાજપ સહેલાઈથી જીતશે, કારણ કે કેન્દ્ર સરકારની દરેક યોજના આ વિસ્તારના દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી છે."
તો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, "સૌથી પહેલા તો આપ નક્કી કરે કે તે INDIA ગઠબંધનની સાથે છે કે તેનાથી છૂટી થઈ ગઈ છે. જો કૉંગ્રેસ અને આપ INDIA ગઠબંધનમાં સાથે હોય તો ગુજરાતમાં ભરૂચ સીટ માટે તેમણે આ જાહેરાત કરતાં પહેલાં કોની સાથે ચર્ચા કરી કે પછી માત્ર હવામાં જ વાતો કરે છે."
આ વિશે બીબીસી ગુજરાતીએ આપના ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા સાથે વાત કરી.
તેમણે જણાવ્યું કે, "ભાજપની ધામધમકીઓથી ડરીને વાગરા અને બીજી એકાદ વિધાનસભામાં અમારા પસંદ કરેલા ઉમેદવારોએ ચૂંટણીપ્રચારમાં યોગ્ય કામ કર્યું ન હતું, જેના કારણે તે સીટો પર અમને ઓછા મતો મળ્યા હતા, તેનો અર્થ એ નથી કે આ વિધાનસભાઓમાં આપ મજબૂત નથી. આ તમામ જગ્યાએ ચૈતરભાઈનું નામ ચર્ચાઈ રહ્યું છે અને અમારા કાર્યકરો દરેક ઘરમાં મોજૂદ છે."
આદિવાસી સીટો જ્યાં હાલમાં ભાજપનો દબદબો છે
ગુજરાતની કુલ 26 લોકસભાની સીટમાંથી છેલ્લી બે ટર્મથી તમામ 26 સીટ ભાજપ જીતી રહ્યો છે. રાજ્યમાં આદિવાસી ઉમેદવારો માટે દાહોદ, છોટાઉદેપુર, બારડોલી અને વલસાડ – આ ચાર સીટ અનુસૂચિત જનજાતિ (ST) માટે આરક્ષિત છે, જ્યારે કચ્છ અને અમદાવાદ (પશ્ચિમ) – આ બે સીટ અનુસૂચિત જાતિ (SC) માટે આરક્ષિત છે.
દેશભરમાં કુલ 543માંથી 47 સીટ ST માટે જ્યારે 84 સીટ SC માટે આરક્ષિત છે.
ST માટે આરક્ષિત ચાર સીટો ઉપરાંત ચાર બીજી એવી સીટ છે, જ્યાં આદિવાસી મતદારો કોઈ પણ પક્ષને જીતાડી કે હરાવી શકે છે, તેમાં પંચમહાલ, ભરૂચ, સાબરકાંઠા અને નવસારી લોકસભા સીટનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં કેવો પ્રભાવ રહ્યો આપનો 2022ની ચૂંટણીમાં?
ગુજરાતની વિધાનસભાની કુલ 182 સીટમાંથી આપે 181 સીટ પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા. જેમાંથી પાંચ સીટ પર પાર્ટીએ જીત મેળવી હતી.
વિધાનસભાની ચૂંટણીમાં કુલ 4.91 કરોડ જેટલા મતદારોમાંથી લગભગ 3.18 કરોડ મતદારોએ મત આપ્યો હતો. આ કુલ મતોમાંથી આપને 41,12,057 વોટ મળ્યા હતા, જે કુલ પડેલા મતોના 12.98 ટકા જેટલા વોટ હતા.
આ ચૂંટણીમાં ભાજપને 52.5 ટકા, જ્યારે કૉંગ્રેસને 27.75 ટકા વોટ મળ્યા હતા. આ ચૂંટણીમાં 5 લાખ જેટલા વોટ નોટામાં પડ્યા હતા.