યુપી વિધાનસભાની ચૂંટણીના 7 માં અને અંતિમ ચરણમાં પીએમ મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસી સહિત 7 જિલ્લાની 40 વિધાનસભા બેઠકોમાં આજે સાંજે ચૂંટણી પ્રચાર થંભી જશે. છેલ્લા તબક્કાનું મતદાન 8મી માર્ચે 40 બેઠકો માટે યોજાનાર છે. વારાણસીના 8 બેઠકો સૌથી વધુ મહત્વપૂર્ણ મનાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંસદીય મતવિસ્તાર હોવાના કારણે વારાણસીની બેઠકો જીતવી એ ભાજપ અને વડાપ્રધાન માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. જેના કારણે તેઓ 3 દિવસથી વારાણસી અને તેની આજુબાજુના વિસ્તારોમાં પ્રચારમાં લાગેલા છે.
અંતિમ ચરણનું કેટલુ મહત્વ છે તેનો અંદાજ એ બાબતે લગાડી શકાય કે ખુદ પીએમ વારાણસીમાં આવ્યા છે તેઓ રોડ શો કરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે, સભાઓ સંબોધી રહ્યા છે, તમામ પક્ષો પુર્વી યુપીને વિજયનો દરવાજો ગણે છે. સાતેય તબક્કાના મતદાનની ગણતરી 11 મીએ થશે. અંતિમ ચરણમાં 1.41 કરોડ મતદારો છે જેમાં 64.76 લાખ મહિલાઓ છે. કુલ 14,458 મતદાન કેન્દ્રો બનાવાયા છે. કુલ 535 ઉમેદવારો મેદાનમાં છે. સૌથી વધુ ર૪ ઉમેદવારો વારાણસી કેન્ટ બેઠકમાં છે અને જયારે સૌથી ઓછા કેરાકટમાં છે.
પીએમ મોદી આજે સતત ત્રીજા દિવસે ભાજપના ઉમેદવારો માટે મત માંગી રહ્યા છે તેમનો કાર્યક્રમ સવારે 10 વાગ્યે શરૂ થયો હતો. તેઓએ ગઢવા ઘાટ આશ્રમમાં લોકો સાથે ચર્ચા કરી હતી. તે પછી તેઓ રામનગરમાં શાસ્ત્રીજીના ઘરે જઇ તેમને શ્રધ્ધાંજલી આપી હતી. ત્યારબાદ ખુશીપુરમાં સભા સંબોધન કર્યુ હતુ. અખિલેશ અને રાહુલે પણ આજે પ્રચાર કર્યો છે. તેઓએ સંયુકત પત્રકાર પરિષદને સંબોધન કર્યુ હતુ અને અખિલેશે 7 જેટલી સભાઓ સંબોધી હતી. પીએમ મોદીએ આજે 800 મીટર સુધીનો રોડ શો કરી શાસ્ત્રી ચોક પહોંચ્યા હતા. તેઓ રોહનીયામાં રેલી સંબોધ્યા બાદ દિલ્હી માટે નીકળી જશે.