PM મોદી ગોરખપુરની આપશે ₹ 9600 કરોડની ભેટ, એમ્સ અને હાઇટેક લેબનું કરશે ઉદઘાટન
આજે PM મોદી ગોરખપુરની મુલાકાત લેશે, 30 વર્ષોથી વધુ સમયથી બંધ રહેલા ગોરખપુર ખાતર પ્લાન્ટને ફરીથી જીવંત કરાશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7મી ડિસેમ્બર, 2021ના રોજ એટલે કે આજે ગોરખપુરની મુલાકાત લેશે અને બપોરે એક કલાકે ₹ 9600 કરોડની કિમતની વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી ગોરખપુર ફર્ટિલાઈઝર પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે જેનું ભૂમિપૂજન તેમના દ્વારા જ 2016ની 22મી જુલાઇએ કરવામાં આવ્યું હતું. છેલ્લાં 30 વર્ષો કરતાં વધારે સમયથી બંધ પડેલા આ પ્લાન્ટને ફરીથી જીવંત કરવામાં આવ્યો છે અને આશરે ₹ 8600 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યો છે.
આ ખાતર સંયંત્રના પુનરુત્થાન પાછળનું ચાલક બળ યુરિયાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનું પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે. ગોરખપુર પ્લાન્ટ દર વર્ષે 12.7 એલએમટી સ્વદેશી લીમડા લેપિત (નીમ કોટેડ) યુરિયાનું ઉત્પાદન ઉપલબ્ધ બનાવશે. તે પૂર્વાંચલ પ્રદેશ અને આસપાસના વિસ્તારોના ખેડૂતોને માટે એમની યુરિયા ખાતર માટેની માગને પહોંચીને અપાર લાભદાયી સાબિત થશે. એનાથી આ પ્રદેશની એકંદર આર્થિક વૃદ્ધિને પણ વેગ મળશે.
આ પ્રોજેક્ટ હિંદુસ્તાન ઉર્વરક એન્ડ રસાયણ લિમિટેડ (એચયુઆરએલ)ના નેજા હેઠળ સ્થાપિત કરાયો છે. એચયુઆરએલ એ નેશનલ થર્મલ પાવર કૉર્પોરેશન, કોલ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લિમિટેડ, ફર્ટિલાઈઝર કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા અને હિંદુસ્તાન ફર્ટિલાઇઝર કૉર્પોરેશન લિમિટેડની એક સંયુક્ત સાહસ કંપની છે અને ગોરખપુર, સિંદરી અને બરૌની ફર્ટિલાઇઝર પ્લાન્ટ્સના પુનરુત્થાન માટે કાર્ય કરી રહી છે. ગોરખપુર પ્લાન્ટનું કાર્ય મેસર્સ ટોયો એન્જિનિયરિંગ, જાપાન અને ટોયો એન્જિનિયરિંગ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કન્સોર્ટિઅમ દ્વારા કરાયું છે અને ટેકનોલોજી/લાયસન્સર્સ તરીકે કેબીઆર, યુએસએ (એમોનિયા માટે) અને ટોયો, જાપાન (યુરિયા માટે) છે. આ પરિયોજનામાં વિશ્વનો સૌથી ઊંચો 149.2 મીટરનો પ્રિલિંગ ટાવર છે. તેમાં ભારતનો પહેલો એર ઓપરેટેડ રબર ડેમ અને સલામતીનાં પાસાં વધારવા માટે બ્લાસ્ટ પ્રૂફ કન્ટ્રોલ રૂમ પણ છે.
પ્રધાનમંત્રી આશરે ₹ 1000 કરોડથી વધુના ખર્ચે નિર્મિત એઈમ્સ, ગોરખપુરના સંપૂર્ણ કાર્યરત સંકુલને પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સંકુલનો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા 2016ની 22મી જુલાઇએ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ એની સ્થાપના કરવામાં આવી છે. આ યોજના દ્વારા ગુણવત્તાયુક્ત ટર્શરી લેવલ- ત્રીજી હરોળની આરોગ્યસંભાળની ઉપલબ્ધતામાં પ્રાદેશિક અસંતુલનને સુધારવા પ્રધાનમંત્રીનાં વિઝન અનુસાર સંસ્થાઓ સ્થપાઇ રહી છે. એઈમ્સ, ગોરખપુર ખાતેની સુવિધાઓમાં 750 બૅડની હૉસ્પિટલ, મેડિકલ કૉલેજ, નર્સિંગ કૉલેજ, આયુષ બિલ્ડિંગ, તમામ સ્ટાફ માટે રહેણાંક, અંડર ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ ઈત્યાદિનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી આઇસીએમઆર-રિજિયોનલ મેડિકલ રિસર્ચ સેન્ટર (આરએમઆરસી), ગોરખપુરની નવી ઈમારતનું પણ ઉદઘાટન કરશે. આ કેન્દ્ર આ પ્રદેશમાં જાપાનીઝ એન્કેફ્લાઇટિસ/એક્યુટ એન્કેફ્લાઇટિસના પડકારને હાથ ધરવામાં ઉપયોગી રહ્યું છે. અત્યાધુનિક સુવિધાઓ સાથે નવી ઈમારત ચેપી અને બિનચેપી રોગોના ક્ષેત્રે સંશોધનની નવી ક્ષિતિજો ખોલશે અને ક્ષમતા નિર્માણમાં પણ મદદ કરશે અને પ્રદેશની અન્ય મેડિસિન સંસ્થાઓને ટેકો પૂરો પાડશે.