સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના નવાબગંજમાં રેસલિંગ ટ્રેનિંગ સેન્ટર ખાતે આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.
કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે વિરોધ કરી રહેલાં કુસ્તી ખેલાડીઓની ગુરુવારે રાત્રે થયેલી બેઠક પરિણામ વગર સંપન્ન રહી કારણ કે ખેલાડોએ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાને ભંગ કરવાની પોતાની માગથી પીછેહઠ કરવાનો ઇનકાર કરી દીધો હતો.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર, વિરોધ કરી રહેલા ખેલાડીઓની ખેલ મંત્રી સાથેની બેઠક ગુરુવારે લગભગ રાત્રે 10 વાગ્યે શરૂ થઈ હતી અને લગભગ રાત્રે પોણા બે વાગ્યે ખેલાડીઓ અનુરાગ ઠાકુરના ઘરમાંથી નીકળ્યાં.
દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલાં આ ખેલાડીઓ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કેન્દ્ર સરકાર પાસે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાને ભંગ કરવાની માગ પર અડગ છે.
જોકે,રમતગમત ખેલ મંત્રીને મળવાં ગયેલાં ખેલાડીઓએ ત્યાં રાહ જોઈ રહેલા પત્રકારોને કોઈ માહિતી આપી ન હતી. આ બેઠકમાં ઑલિમ્પિયન બજરંગ પુનિયા, રવિ દાહિયા, સાક્ષી મલિક અને વર્લ્ડ ચૅમ્પિયન ખેલાડી વિનેશ ફોગાટ સામેલ હતાં.
રમતગમત મંત્રી સાથેની બેઠક પહેલા સરકારી અધિકારીઓએ વિરોધ કરી રહેલાં ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. શુક્રવારે રમતગમત મંત્રી ફરી આ ખેલાડીઓને મળશે.
પીટીઆઈના અહેવાલ મુજબ, સરકારે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા પાસેથી આ મામલા પર ખુલાસો માગ્યો છે અને જવાબ મળ્યા પહેલા તેના પ્રમુખ બૃજ ભૂષણ શરણ સિંહને રાજીનામું આપવા મજબૂર ન કરી શકાય.
રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ હજુ સુધી સરકારને કોઈ જવાબ આપ્યો નથી. ખેલ મંત્રાલયે મહિલા રેસલિંગ ખેલાડીઓ દ્વારા જાતીય ઉત્પીડનની ફરિયાદો બાદ બુધવારે WFIને જવાબ આપવા માટે 72 કલાકનો સમય આપ્યો હતો.