Modi Surname Case - રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. મોદી સરનેમ કેસમાં નીચલી કોર્ટના કેસમાં કોંગ્રેસ નેતાને મળેલી સજા પર કોર્ટે સ્ટે મુકી દીધો છે. આ કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટે નીચલી કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર પણ સવાલ ઉઠાવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ કેસમાં મહત્તમ સજા આપવાની શું જરૂર હતી? જો તેને એક વર્ષ અને 11 મહિનાની સજા આપવામાં આવી હોત તો તેણે સભ્યપદ ગુમાવ્યું ન હોત. મહત્તમ સજાએ એક સંસદીય ક્ષેત્ર અને તેના લોકોને અસર કરી છે.
કોર્ટે પૂછ્યું કે શું આ કેસમાં મહત્તમ સજા શા માટે? કહ્યું- તેમને ઓછી સજા આપી શકાઈ હોત. તેઓ ગેરલાયક ઠરતા નથી. સજા 1 વર્ષ અને 11 મહિનાની થઈ શકતી હતી.
આ દરમિયાન કોર્ટે ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પૂછ્યું.મહત્તમ સજા કરવા માટે કોર્ટે કયા કારણો આપ્યા છે. ઓછી સજા આપી શકાઈ હોત. જેથી સંસદીય ક્ષેત્રના જનતાના અધિકારો પણ યથાવત રહ્યા હોત. રાહુલ ગાંધી કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019 ના રોજ એક ચૂંટણી રેલીમાં મોદી અટક પર ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટમાં આજે મોદી સરનેમ માનહાનિ કેસમાં સુનાવણી કરી છે. રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે માનહાનિનો કેસ દાખલ કરનાર પૂર્ણેશ મોદીની અસલી અટક મોદી નથી, પરંતુ તેમણે બાદમાં પોતાની અટક બદલી છે. અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં રાહુલ ગાંધીનો પક્ષ રજૂ કર્યો હતો. સિંઘવીએ કહ્યું હતું કે રાહુલ ગાંધી પર લાગેલા આરોપ જામીનપાત્ર છે.
અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં કહ્યુ
આ સુનાવણી દરમિયાન રાહુલ ગાંધી વતી અભિષેક મનુ સિંઘવી હાજર થયા હતા. આ દરમિયાન તેણે કોર્ટમાં કહ્યું કે તેના અસીલ વિરુદ્ધ નોંધાયેલા તમામ કેસ ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા છે. સિંઘવીએ દલીલ કરી હતી કે ફરિયાદી પૂર્ણેશ મોદીની અસલી અટક મોદી નથી. તેણે પોતાની સરનેમ બદલીને મોદી કરી છે અને પૂર્ણેશ મોદીએ પોતે આ વાત કહી છે. ટ્રાયલ કોર્ટના જજે તેને ગંભીર ગુનો ગણાવ્યો હતો. બળાત્કાર, હત્યા કે અપહરણનો એવો કોઈ કેસ નથી જેમાં મહત્તમ 2 વર્ષની સજા આપવામાં આવી હોય.
સજા પર રોક તો લાગી પણ...
જો કે રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે સજા પર રોક તો લગાવી દીધી છે પણ હાલ મોદી સરનેમ મામલે તેમને નિર્દોષ સાબિત કર્યા નથી. રાહુલ ગાંધી તરફથી સુપ્રીમ કોર્ટમાં સજાના રોકને લઈને અરજી દાખલ કરવામાં આવી હતી. જેના પર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પરત મળી જશે અને તેઓ ટૂંક સમયમાં જ લોકસભા સચિવાલય તરફથી આ બાબતે આદેશ પણ રજુ કરી શકશે.