કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતી ન્યૂઝ ચેનલો સાથેની ખાસ વાતચીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરતા કહ્યું કે ગુજરાત ચૂંટણી પ્રચાર અભિયાનમાં વડાપ્રધાને ભ્રષ્ટાચારનો મુદ્દો નથી ઉઠાવ્યો. જીએસટીના કારણે ગુજરાતમાં 50 ટકા જેટલી આવક ઘટી છે. ભાજપ મુદ્દાઓ પરથી ધ્યાન હટાવે છે પણ હવે ગુજરાતની જનતા હકીકતના આધારે વોટ કરશે.
ગુજરાતમાં સત્તા આવવાની સ્થિતિમાં કોંગ્રેસની પ્રાથમિકતા પર રાહુલ ગાંધીએ કહ્યું છે કે અમારી સરકાર પોતાના મનની વાત નહીં કરે પણ જનતાના મનની વાત કરશે. ગુજરાતે મને પ્રેમ આપ્યો છે અને મારું દિલ જીતી લીધું છે. ગુજરાત માટે હંમેશા મારા દિલમાં પ્રેમ રહેશે. છેલ્લા 22 વર્ષોમાં મોદીજી અને રુપાણીજીએ એકતરફી વિકાસ કર્યો છે અને માત્ર 5-10 લોકોને ફાયદો મળ્યો છે. દરેકને તેના અધિકાર નથી આપવામાં આવ્યા. અમે જે ગુજરાત વિશે જે નિર્ણય લઇશું એ ગુજરાતની જનતાનો અવાજ સાંભળીને લઇશું.
રાહુલ ગાંધીની મંદિર મુલાકાત મામલે થઈ રહેલા વિવાદ વિશે પોતાનો મત વ્યક્ત કરતા તેમણે કહ્યું છે કે મને જ્યારે મોકો મળે છે ત્યારે હું મંદિર જાઉં છું. કેદારનાથ પણ ગયો હતો તો શું એ ગુજરાતમાં છે? હું જે પણ મંદિરમાં ગયો છું એમાં મેં ગુજરાતના લોકો માટે 'સોનેરી ભવિષ્ય'ની કામના કરી છે અને વધારે સારા વિકાસની પ્રાર્થના કરી છે. તેમણે કહ્યું કે, બીજેપી આ વખતે પરિણામોથી સરપ્રાઇઝ થઇ જશે. રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતની જનતામાં આ વખતે બીજેપી વિરુદ્ધ ખૂબ ગુસ્સો છે. બીજેપી ગુજરાતમાં જે વિઝન આપવાનું હતું તે આપી શકી નથી, પરંતુ કોગ્રેસે ગુજરાતની જનતાને પૂછીને વિઝન બનાવ્યું છે. આ એકતરફી ચૂંટણી છે. આ વખતે કોગ્રેસનો વિજય થશે અને બીજેપી પરિણામોથી ચોંકી જશે.
મોદીના કોગ્રેસ મુક્ત ભારત પર હુમલો કરતા રાહુલે કહ્યું કે, જો દેશમાં કોગ્રેસ મુક્તની હવા ચાલી રહી હોત તો મોદીજી પોતાની રેલીઓમાં અડધો સમય કોગ્રેસને આપ્યો ના હોત. લોકોની ભાવના હવે બદલાઇ ગઇ છે. 1992ના સમયની હવે વાત રહી નથી કોગ્રેસ આ વખતે ગુજરાતમાં ચૂંટણી જીતશે. મતભેદ હોઇ શકે છે પરંતુ પ્યારથી વાત થવી જોઇએ. મારો પ્રયાસ રહેશે કે કોગ્રેસની જે વિચારધારા છે તેને આગળ વધારવી જોઇએ. મોદીના મણિશંકરના નિવેદન પર રાહુલે કહ્યું કે, દેશના વડાપ્રધાન અંગે ખોટી વાતો તેમને સ્વીકાર્ય નથી. વડાપ્રધાન મોદી અમારા અંગે કાંઇ પણ બોલી શકે છે પરંતુ અમે એવી ભાષાનો ઉપયોગ કરીશું નહી. મણિશંકરને તેમના નિવેદન પર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. મે મણિશંકરને સ્પષ્ટ કહી દીધું છે કે વડાપ્રધાન અંગે આવી ભાષાનો ઉપયોગ કરવો જોઇએ નહીં. રાહુલે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ અંગે ખોટી ભાષાનો ઉપયોગ કરવાનું કોઇ શોભતું નથી, અમે એવી ભાષાનો ઉપયોગ કરતા નથી.