12 વર્ષ કે એથી ઓછી વયની કિશોરીઓ પર બળાત્કાર કે સમૂહ બળાત્કારના દોષીને મૃત્યુદંડ આપવા માટેનો ઐતિહાસિક ઠરાવ મધ્ય પ્રદેશની વિધાનસભામાં સત્તાધારી ભાજપ અને વિપક્ષ સહીત સર્વાનુમતે પસાર કરાયો હતો. આ સાથે મધ્ય પ્રદેશ દેશનું પહેલું એવું રાજય બન્યું હતું કે જયાં બળાત્કારના આરોપીને મૃત્યુદંડ આપવાનો ઠરાવ પસાર કરાયો હતો. રાજયના ગૃહ પ્રધાન ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ઠરાવ હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે અને એમની મંજૂરી મળ્યા બાદ એ કાયદો બની જશે.
મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની મરજી પ્રમાણે પસાર કરાયેલ આ ઠરાવને લીધે મધ્ય પ્રદેશ માટે આજનો દિવસ ઐતિહાસિક બની રહ્યો છે. કાયદાની કલમ 376 (એ)અને 376(ડી, એ)ના દોષીઓને હવે મધ્ય પ્રદેશમાં મૃત્યુદંડ આપવામાં આવશે.
ઠરાવને આવકારતા ચૌહાણે જણાવ્યું હતું કે સમાજમાં એવા કેટલાક લોકો છે કે જેમને સખત શિક્ષા કરીને જ સીધા કરી શકાય એમ છે. જો કાયદો એમને શિક્ષા કરશે, તો અમે સમાજમાં આવા ગૂના સામે જાગૃતિ ફેલાવીશું.