મહારાષ્ટ્ર સરકારે કોરોનાને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં ગુજરાત સહિત ચાર રાજ્યોમાંથી મહારાષ્ટ્ર જનારા લોકોએ કોરોના વાઇરસનો RTPCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ. મહારાષ્ટ્રની સરકારે નવા નિર્દેશો જાહેર કરતા ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને ગોવામાંથી આવનારા મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ અને આ ટેસ્ટનું નેગેટિવ પરિણામ હોવું જોઈએ. જેમણે ટેસ્ટ નહીં કરાવેલો હોય અથવા જેમનો રિપોર્ટ પૉઝિટિવ હશે તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
- રાજ્ય સરકારે બહાર પાડેલા નવા નિયમો મુજબ ટ્રેન કે ફ્લાઇટ દ્વારા મહારાષ્ટ્ર જનારા લોકોએ તેમની સાથે RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો જરૂરી છે.
- જે લોકો હવાઈ મુસાફરી દ્વારા મહારાષ્ટ્ર જઈ રહ્યા છે તેમણે ઍરપૉર્ટના અધિકારીઓને ફ્લાઇટમાં બેસતાં પહેલાં નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો જરૂરી છે.
- RT-PCRનાં સૅમ્પલ મહારાષ્ટ્રમાં લૅન્ડ થતાં પહેલાંના 72 કલાકની અંદર લેવાયેલાં હોવાં જોઈએ.
- જે લોકો નેગેટિવ રિપોર્ટ સાથે નહીં લઈ જાય તેમનો મહારાષ્ટ્રમાં ઍરપૉર્ટ પર ઊતરતી વખતે ટેસ્ટ કરાવવામાં આવશે.
- ઍરપૉર્ટ ઑથોરિટી આવા મુસાફરો માટે ટેસ્ટનું આયોજન કરશે, જ્યારે મુસાફરોએ ટેસ્ટના ખર્ચની રકમ ચૂકવવી પડશે.
- જે લોકો ટ્રેન દ્વારા મહારાષ્ટ્ર જઈ રહ્યા છે તેમણે RT-PCR નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો પડશે.
- ગુજરાત, દિલ્હી, રાજસ્થાન અને ગોવામાંથી જનારા કે આ રાજ્યોના કોઈ સ્ટેશને ઊતરીને મહારાષ્ટ્રની ટ્રેન પકડનારા મુસાફરોએ પણ નેગેટિવ રિપોર્ટ સાથે રાખવો પડશે.
- મહારાષ્ટ્રમાં ટ્રેન દ્વારા પહોંચતાની 96 કલાકની અંદર RT-PCRનાં સૅમ્પલ લેવામાં આવેલાં હોવાં જોઈએ.
- જે મુસાફરો રિપોર્ટ સાથે નહીં લઈ જાય તેમની કોરોનાનાં લક્ષણો અને શરીરના તાપમાનની તપાસ કરવામાં આવશે.
- જે લોકોમાં કોરોના વાઇરસનાં લક્ષણો નહીં હોય તેમને રાજ્યમાં પ્રવેશ આપવામાં આવશે, જે લોકોમાં લક્ષણો જણાશે તેમને રેપિટ એન્ટિજન ટેસ્ટમાંથી પસાર થવું પડશે.
- ગુજરાત સહિત દિલ્હી, રાજસ્થાન અને ગોવાથી જે લોકો રોડ માર્ગે મહારાષ્ટ્રમાં પ્રવેશી રહ્યા છે તેમની રાજ્યમાં પ્રવેશતાં પહેલાં તપાસ કરવામાં આવશે.
- મહારાષ્ટ્રની બૉર્ડર પર તેમનું તાપમાન માપવામાં આવશે અને કોરોનાનાં લક્ષણો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
- જે લોકોમાં લક્ષણો નહીં જણાય તેમને રાજ્યમાં પ્રવેશવા દેવામાં આવશે.
- જો લક્ષણો જણાશે તો જે તે વ્યક્તિ તેમના ગૃહ રાજ્યમાં ઘરે પરત જઈ શકશે અથવા તેમને અલગ કરી તેમનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે.
- જો ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને મહારાષ્ટ્રમાં પ્રવેશવા દેવામાં આવશે.
- જે લોકોએ ટેસ્ટ નથી કરાવ્યો અથવા પૉઝિટિવ આવશે તો તેમને કોવિડ કેર સેન્ટરમાં લઈ જવામાં આવશે અને તેમનો ખર્ચ જે તે વ્યક્તિએ ઉઠાવવો પડશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર અને અસમની સરકારો પાસેથી કોરોના વાઇરસના સંક્રમણની રોકથામ માટે લેવાયેલાં પગલાં અંગે રિપોર્ટ માગ્યાના અમુક કલાકો બાદ મહારાષ્ટ્રની રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે.
-સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં મહામારીની સ્થિતિ 'વણસી' છે અને ગુજરાતમાં 'બેકાબૂ' બની છે. એક તરફ જ્યાં કોરોનાની મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરી રહેલાં મહારાષ્ટ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ જેવાં રાજ્યોમાં નવા કેસોની સંખ્યા સ્થિર રહી છે ત્યારે બીજી તરફ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં ઍક્ટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.