મહારાષ્ટ્રમાં ઠાણે જીલ્લાના ઉલ્હાસનગરમાં શુક્રવારે 5 માળની બિલ્ડિંગનો સ્લૈબ પડી ગયો. તેમા ઓછામાં ઓછા 6 લોકોના મોત થયા. 4 થી 5 લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. આ વિસ્તારમાં એક મહિનામાં આ બીજી ઘટના છે.
રિજનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ચીફ સંતોષ કદમે જણાવ્યું હતું કે નહેરુ ચોક વિસ્તારમાં આવેલી ઇમારતનું નામ સાંઇ સિદ્ધિ છે. તેના 5 માં માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 7 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારી ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ લગભગ 26 વર્ષ જૂની હતી. અકસ્માત બાદ બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી છે. ઘટનામાં મોતને ભેટેલા લોકોના પરિજનો માટે મંત્રી એકનાથ શિંદેએ 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી દીધી છે.
બે અઠવાડિયા પહેલા પણ બની હતી આવી ઘટના
ઉલ્હાસનગર ટાઉનશીપમાં આ જ રીતે 15 મેના રોજ ગેરકાયદેસર બિલ્ડિંગનો સ્લેબ તુટી પડ્યો હતો. આ બિલ્ડિંગ ચાર માળની હતી અને તેના ચોથા માળનો સ્લેબ તૂટી પડ્યો હતો. ત્યારબાદ અન્ય માળના સ્લેબ પણ પડવા માંડ્યા હતા. આ અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં હતાં. બચાવ ટીમે 11 લોકોને બહાર કાઢ્યા હતા.