કોલકતા બળાત્કાર-હત્યાના મામલે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા ગંભીર સવાલો-
, મંગળવાર, 20 ઑગસ્ટ 2024 (16:13 IST)
કોલકતા બળાત્કાર-હત્યાના મામલે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. કોર્ટે આ મામલે ખુદ સંજ્ઞાન લીધું હતું.
આ સુનાવણી મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બૅન્ચે કરી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કોર્ટે કહ્યું હતું કે, “એવું લાગે છે કે ગુનાની ખબર શરૂઆતના કલાકોમાં જ પડી ગઈ હતી. મેડિકલ કૉલેજના પ્રિન્સિપાલે તેને આત્મહત્યા ગણાવવાની કોશિશ કરી હતી.”
કોર્ટે કહ્યું, “મોટા ભાગના યુવાન ડૉક્ટરો 36 કલાક કામ કરે છે. આપણે કામકાજનો સુરક્ષિત માહોલ સુનિશ્ચિત કરવા માટે એક નેશનલ પ્રોટોકૉલ વિકસિત કરવો જોઈએ. ”
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો મહિલાઓ કામ પર નહીં જઈ શકે અને ત્યાં સુરક્ષિત નહીં હોય તો આપણે તેમને સમાનતાના અધિકારથી વંચિત કરી રહ્યા છીએ.
કોર્ટે એ વાત પર પણ ચિંતા જાહેર કરી હતી કે પીડિતાનું નામ મીડિયામાં દરેક જગ્યાએ છપાઈ ચૂક્યું છે.
સુપ્રીમ કોર્ટે એમ પણ પૂછ્યું હતું કે આરજી કર હૉસ્પિટલના પ્રિન્સિપાલનું આચરણ તપાસનો વિષય હતું તેમ છતાં પણ તેને તરત જ બીજી કૉલેજમાં કેમ નિયુક્ત કરી દેવામાં આવ્યા.
આ સાથે જ કૉર્ટે કોલકતા પોલીસ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે કેવી રીતે હજારોની સંખ્યામાં ભીડ આરજી કર મેડિકલ કૉલેજમાં ઘૂસી ગઈ?
સુપ્રીમ કોર્ટે આ મામલામાં એફઆઈઆર મોડેથી દાખલ કરવા બદલ પશ્ચિમ બંગાળ સરકારને પણ ફટકાર લગાવી છે. કોર્ટે પૂછ્યું હતું કે હૉસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું હતું?
સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાતંત્ર સંપૂર્ણપણે વિફળ થઈ ગયાં છે.
મહેતાએ કહ્યું કે, “કોલકતા પોલીસની જાણકારી વગર સાત હજાર લોકોની ભીડ આરજી કર હૉસ્પિટલમાં પ્રવેશ ન કરી શકે.”
આગળનો લેખ