ભારતીય સેનાએ કાશ્મીરના કિશ્તવાડમાં ઉગ્રવાદીઓ સામે અભિયાન હાથ ધર્યું હતું. એ સમયે સામાન્ય નાગરિકો સાથે દુર્વ્યવહાર થયા હોવાના અહેવાલ વહેતા થયા હતા.
ત્યારે બીબીસી સંવાદદાતા માજિદ જહાંગીર જણાવે છે કે ભારતીય સેનાએ નાગરિકો સાથે દુર્વ્યવહારની તપાસના આદેશ આપ્યા છે.
ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોરે ઍક્સ પર લખ્યું, "કિશ્તવાડ સૅક્ટરમાં ઉગ્રવાદીઓ હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જેના આધારે તા. 20મી નવેમ્બર 2024ના રાષ્ટ્રીય રાઇફલ્સ દ્વારા ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું."
"કેટલાક રિપોર્ટ્સ મુજબ, ઑપરેશન દરમિયાન સામાન્ય નાગરિકો સાથે ગેરવ્યવહાર થયો હતો. આ મામલે તપાસ હાથ ધરાય રહી છે. જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ઉગ્રવાદીઓના આ જૂથ ઉપર નજર રાખવામાં આવી રહી છે."
કેટલાક મીડિયા રિપોર્ટ્સે આરોપ મૂક્યા હતા કે ભારતીય સેનાના અધિકારીઓએ કૌથ ગામના રહીશોને છાવણીમાં બોલાવીને તેમની સાથે ગેરવ્યવહાર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસો દરમિયાન જમ્મુ ક્ષેત્રની ચિનાબ ઘાટીમાં ઉગ્રવાદની ઘટનાઓ વધી ગઈ છે. તાજેતરમાં ઉગ્રવાદીઓ અને ભારતીય સેના વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક સૈન્યઅધિકારીનું મૃત્યુ થયું હતું તથા ત્રણ અન્ય ઘાયલ થયા હતા.
એ પહેલાં કિશ્તવાડમાં ઉગ્રવાદીઓએ વિલૅજ ડિફેન્સ ગાર્ડના બે સભ્યોના અપહરણ કરી લીધા હતા અને તેમની હત્યા કરી નાખી હતી.